દિવ્યકાંત ભટ્ટ (એટલાન્ટા. અમેરિકા ): મહિનામાં આવતી પૂનમ અર્થાત્ પૂર્ણિમા( ફુલ મૂન) વિશે અાપણે સૌ પરિચિત હોઇએ છીએ. પરંતુ વર્ષમાં એક વખત વિશેષ એવી પૂનમ આવે છે, જે દિવસે ચંદ્ર અન્ય મહિનાઓના પૂનમની રાત્રિ કરતાં મોટો અને વધુ તેજસ્વી દેખાય છે. જેને અંગ્રેજીમાં સુપર મૂન કહેવામાં આવે છે. આવો સુપર મૂનનો સંયોગ આજે એટલે કે, તા.19 ફેબ્રુઆરીની રાત્રિના ભારતમાં જોવાનો લ્હાવો મળશે.

આકાશમાં થતી ખગોળીય ઘટનાઓ પૈકી ચંદ્ર એટલે કે મૂન સાથે સંબંધિત ઘટનાઓ પૈકી એક એવી ચંદ્ર ગ્રહણની ઘટના વિશે આપણે જાણીએ છીએ. પરંતુ સુપર મૂનની ઘટના વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.

આજે મહા-માઘ મહિનાની પૂનમ એટલે કે, તા.19 ફેબ્રુઆરીની રાત્રિના સર્જાનારી સુપર મૂનની ખગોળીય ઘટના વિશે માહિતી આપતાં વડોદરાની ગુરુદેવ ઓર્બ્ઝવેટરી(વેધશાળા)ના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે, સુપર મૂનની સ્થિતિમાં ચંદ્ર અને પૃથ્વીની વચ્ચેનું અંતર ઘટતું હોય છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય છે. આ સ્થિતિને સુપર મૂન તરીકે ઓળખવામાં આવે છે.

સુપર મૂનનો યોગ હોય ત્યારે અન્ય પૂનમ-પૂર્ણિમાની રાત્રિએ જોવા મળતા ચંદ્ર કરતાં સુપર મૂનની રાત્રિનો ચંદ્ર ઘણો ચમકતો અને મોટો દેખાય છે. જે મુજબ આજે મંગળવાર તા.19 ફેબ્રુ.ની રાત્રિએ ચંદ્રમા અને પૂનમના ચંદ્રની સરખામણીમાં 30 ટકા વધુ ચમકતો અને 14 ટકા વધુ મોટો જોવા મળશે. આજે મંગળવારની રાત્રિના 9.23 કલાકે ચંદ્રમા પૃથ્વીથી 3,56,846 કિલોમીટર દૂર હશે. અન્ય મહિનાની પૂનમની રાત્રિના ચંદ્રમા અને પૃથ્વી વચ્ચેનું અંતર અંદાજે 4 લાખ કિ.મી.નું હોય છે. સુપર મૂનની રાત્રિના આ અંતર ઘટીને 3,56,846 કિ.મી.નું થતાં ચંદ્ર મોટો અને વધુ ચમકદાર-તેજસ્વી જોવા મળે છે.

ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે જણાવ્યું હતું કે, આગામી સુપર મૂનનો યોગ એપ્રિલ-2020 માં સર્જાશે. સુપર મૂનની રાત્રિના મોટા અને ચમકદાર એવા ચંદ્રમાને જોવાનો લ્હાવો અવર્ણનીય છે. ખાસ કરીને ભારતના નાગરિકોને આ લ્હાવો મળવાનો હોઇ કુદરતનો આ નજારો નિહાળવાની તક જતી કરવી જોઇએ નહીં. સુપર મૂનના યોગ દરમિયાન દરિયામાં રાત્રિના સમયે મોટી ભરતી આવવાની સંભાવના છે.