મેરાન્યૂઝ નેટવર્ક, ઇન્દોર: લોકસભા ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ભાજપના વધુ એક વરિષ્ઠ નેતા સુમિત્રા મહાજને ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે અને આ સંદર્ભે તેમણે ભાજપ હાઇકમાન્ડને પત્ર લખી ઇન્દોર બેઠક પર અન્ય ઉમેદવાર નક્કી કરી લેવા જણાવ્યું છે.

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પત્ર લખ્યો છે કે ભાજપ દ્વારા આજ દિન સુધી ઇન્દોરમાં પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો. આ અનિર્ણયની સ્થિતિ શા માટે? શક્ય છે કે પાર્ટીને નિર્ણય લેવામાં કોઈ સંકોચ થતો હશે. જો કે મેં પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓ સાથે આ સંદર્ભે ઘણા પહેલા જ ચર્ચા કરી હતી અને નિર્ણય તેમના પર છોડ્યો હતો. લાગે છે કે તેમના મનમાં હજુ પણ કોઈ સંકોચ છે. તેથી હું જાહેરાત કરુ છું કે મારે હવે લોકસભા ચૂંટણી લડવી નથી. તેથી પાર્ટી પોતાનો નિર્ણય મુક્ત મનથી લઇ શકે છે અને નિ:સંકોચ થઇને લઇ શકે છે.

75 વર્ષના સુમિત્રા મહાજને પત્રમાં લખ્યું છે કે ઇન્દોરના લોકોએ મને સહયોગ આપનારા તમામ કાર્યકરો અને લોકોનો આભાર. અપેક્ષા છે કે હવે પાર્ટી ટૂંક સમયમાં પોતાનો નિર્ણય કરે જેથી બધાને કામ કરવામાં સુવિધા રહે અને અનિશ્ચિતતાની સ્થિતિ સમાપ્ત થાય.

અત્રે ઉલ્લેખનીય છે કે સુમિત્રા મહાજન મધ્યપ્રદેશની ઇન્દોર લોકસભા બેઠક પરથી આઠ વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુમિત્રા મહાજનની ઉંમર 75 વર્ષ થઇ હોવાથી હવે ભાજપ તેમના સ્થાને નવો ચહેરો શોધી રહી છે. જો આમ બને તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને કલરાજ મિશ્રા બાદ સુમિત્રા મહાજન ચોથા મોટા નેતા હશે જેમની ભાજપ ટિકિટ કાપશે.