મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  ગાંધીનગરથી ૧૩ કિમી દુર આવેલા શેરથા ગામના લોકો હાઈવે અને  ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દ્વારા (ONGC) નાખવામાં આવેલી પાઈપલાઈનના કારણે હેરાન થઇ ગયા છે અને રોજ ૩૦૦ જેટલા  બાળકો  હાઈવે પસાર  પસાર કરીને સ્કૂલે જાય છે.

૧૦હજારની વસ્તી ધરાવતા  ગાંધીનગરના આ ગામમાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ગામની સમસ્યા છે હાઇવે અને તેના નાના ગરનાળાની પાઈપલાઈન. હાઈ-વે અમદાવાદ-મહેસાણા વચ્ચેનો મુખ્ય માર્ગ હોવાથી ખુબ ટ્રાફિક રહેતો હોય છે. જેને કારણે અહિયાંથી નાના બાળકો માટે પસાર થવું ખુબ જ મુશ્કેલ છે અને સંભવિત અકસ્માતનો પણ ભય રહે છે.  સાંજે કે વહેલી સવારના સમયે સીનીયર સીટીઝન પણ ગામથી ખેતર તરફ જઈ શકતા નથી કારણ કે રોડ ઉપર આવતા વાહનોને કારણે તેઓ પણ મુશ્કેલી અનુભવે છે.

ગામના આગેવાન ગુલાબજી ઠાકોરે જણાવ્યું જે ગામના ૨૦ ટકા લોકો આ ગરનાળાની આ બાજુ રહે છે જેમનો તમામ વ્યવહાર શેરથા ગામ સાથે જ છે અને મહેસુલ રેકોર્ડમાં પણ તેઓ શેરથા ગામમાં આવે છે છતાં તેઓને ગામમાં પ્રવેશ કરવા માટે સલામત રસ્તો નથી.   તેમના વિસ્તારને ગામ સાથે જોડતા રસ્તા વચ્ચેથી હાઈવે પસાર થાય છે. જેમાં ખુબ જ ટ્રાફિક અને પુર ઝપડે જતા વાહનો હોય છે જે લોકો માટે પસાર કરવો અસલામત છે. બીજી બાજુ રોડની નીચે આવેલા ગરનાળામાં ONGC દ્વારા પાઈપલાઈન નાખવામાં આવી છે જે ગરનાળાની જગ્યા રોકી લીધી છે. તેથી અમે ONGC સહીત હાઇવે ઓથોરીટીને અરજી કરી  છે કે ગામના લોકોના પસાર થવા ગરનાળામાં ONGC પાઈપલાઈન બીજે રસ્તે મુકે અને હાઈ-વે વાળા ગરનાળામાં રસ્તો કરી આપે જેથી ગામની મહત્વની સમસ્યા દુર થાય.

તેઓએ વધુમાં જણાવ્યું કે ગ્રામ પંચાયતના તલાટી ONGC પાસે પંચાયતના વેરા તરીકે વસુલ કરવાના બાકી એવા લગભગ ૨૩ લાખ રૂપિયાના ચૂકવણા મુદ્દે ONGCના અધિકારીઓને મળવાના છે અને પછી આગળ કાર્યવાહી કરવામાં આવશે.

આ ગામમાં ONGC દ્વારા સર્વ પ્રથમ વેલ કરવામાં આવ્યો હતો અને તે વખતે આ ગામને વચન આપવામાં આવ્યું હતું કે આ ગામને સુવર્ણ જેવું કરી દેવામાં આવશે. હાલ આ ગામમાં ૨૮૦૦ સર્વે નંબર માંથી ૨૪૦૦ સર્વે નંબરોમાં ONGCની લાઈન આવેલી છે અને ૮૦ જેટલા વેલ હોવાને કારણે આ ગામમાં ખેતીની જમીન નોન- એગ્રીકલ્ચર (NA) થઇ શકતી નથી.  

 આ ગામમાં સરકારી પ્રાથમિક શાળાનું મકાન હાલ તોડી નાખવામાં આવ્યું છે અને નવી શાળા બનાવવા માટે સરકાર તરફથી ગ્રાન્ટ પણ મંજુર કરી દેવામાં આવી છે અને નજીકના સમયમાં બાંધકામ ચાલુ થઈ જશે.