મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: શહેર રાધમીરા પાર્ક ખાતે મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કાફલા સાથે ડિમોલિશન કરવા પહોંચેલા મનપાના  અધિકારીઓનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. મહિલાઓ સહિત સ્થાનિક લોકોએ પોલીસ અને ડિમોલિશન કાફલાનો રીતસરનો ઘેરાવ કરી લીધો હતો. તેમજ પોલીસ સહિતની ટીમ પર પથ્થરમારો પણ કરાયો હતો. ઉશ્કેરાયેલી પોલીસે પણ સામે પથ્થરમારો કરતા મામલો ગરમાયો હતો. જો કે વિજીલન્સ પોલીસ તેમજ અધિકારીઓએ દોડી જઇને મામલો થાળે પડ્યો હતો.

શહેરના રાધમીરા પાર્ક ખાતે કોમન પ્લોટની જગ્યામાં ચબૂતરો અને રામેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું. જ્યાં મનપા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું. આ ડીમોલેશનની કાર્યવાહી દરમિયાન ચબૂતરો તોડી પાડવામાં આવતા લોકો વિફર્યા હતા. તેમજ મનપાની ટીમનો ઘેરાવ કર્યો હતો. એટલું જ નહીં પથ્થરો ઉપાડી પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સામાપક્ષે પોલીસે પણ પથ્થરનો જવાબ પથ્થરો મારીને આપતા સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ હતી.

જોકે વિજિલન્સ પોલીસ અને અન્ય અધિકારીઓ દોડી જતા મામલો થાળે પડ્યો હતો. પરંતુ મંદિર અને ચબૂતરો બચાવવા માટે લોકોનું ટોળું પાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.