મેરાન્યૂઝ નેટવર્ક, ભાવનગર: ગુજરાતના ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના 12 ગામના ખેડૂતોની જમીન વર્ષો પહેલા સસ્તા ભાવે સંપાદિત કર્યા હવે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા તેના પર કબજો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેનો સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પાંચ હજાર ખેડૂતોએ રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને પત્ર લખી ઇચ્છા મૃત્યુની માગણી કરી છે.

ખેડૂતોની લડત ચલાવી રહેલા નરેન્દ્રસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર વર્ષ 1997માં સરકાર એક વિઘાના માત્ર 40 હજાર રૂપિયાના ભાવે જમીન સંપાદન કર્યું હતું. જ્યારે હવે જમીનના ભાવ 21 લાખ રૂપિયા સુધી પહોંચ્યા છે. વર્ષો બાદ હવે જમીન સંપાદનની કામગીરી સરકાર હાથ ધરવામાં આવી છે તે યોગ્ય નથી. અમારુ ગુજરાન આ જમીનમાં ખેતી કરીને ચાલે છે. જો સરકાર નવા ભાવે જમીનનું વળતર ચુકવે તો તેઓ જમીન આપવા તૈયાર નહીં. તો પાંચ હજાર ખેડૂતોને સામુહિક ઇચ્છા મૃત્યુ આપવાની અમારી અરજી ગ્રાહ્ય રાખવામાં આવે અને અમને સૈનિકોની ગોળી દ્વારા મૃત્ય આપવામાં આવે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમને વર્ષો સુધી ખેતી જ કરી છે અને હવે આવકનું બીજુ કોઈ સાધન નથી. ખેડૂત્પ દ્વારા તાજેતરમાં આ અંગે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ અને ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતાં તથા 500 ખેડૂતોની અટકાયત કરી આગામી 15 મે સુધી કલમ 144 લગાવી દેવામાં આવી છે. બીજી તરફ ગુજરાત સરકારનો તર્ક છે કે તેમને 1997માં રૂપિયા ચુકવાઇ ગયા છે તેથી ફરી વખત તેનું વળતર ચુકવવુ શક્ય નથી.