મેરાન્યૂઝ નેટવર્ક. ગાંધીનગરઃ ગુજરાત સરકાર એકતરફ શિક્ષીત બેરોજગારોને નોકરી કે રોજગારી આપી શકાતી નથી. ત્યારે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ગુણોત્સવના આયોજનથી બિલકુલ વિપરીત હવે કૌશલ્ય ખીલવવા માટે બાળ મેળા યોજવામાં આવશે. જેમાં પ્રવેશોત્સવની સાથે ધોરણ ૧થી ૫માં ભણતા પ્રાથમિક વિભાગના બાળકો માટે યોજાનારા બાળ મેળામાં માટી-છાપ કામ શીખવાડવામાં આવશે...તો ઉચ્ચ પ્રાથમિક એટલે કે, ધોરણ ૬થી ૮માં અભ્યાસ કરતા બાળકો માટે જીવન કૌશલ્ય મેળા યોજી ટાયર પંક્ચર સહિતની પ્રવૃતિઓ શીખવાડાશે.

રાજ્ય સરકાર દ્વારા આગામી ૧૧ જુનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશોત્સવની સાથે જ બાળકોને જીવન કૌશલ્યના નામે ટાયર પંક્ચર બનાવતા શીખવાડાશે. આ અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી પ્રાથમિક શાળાઓમાં બે ભાગમાં બાળ મેળા યોજવા જણાવ્યું છે.

જેમાં ધોરણ ૧ થી ૫ સુધીના પ્રાથમિક વિભાગ માટે બાળ મેળો અને ઉચ્ચ પ્રાથમિક એટલે કે ધોરણ ૬ થી ૮માં લાઇફ સ્કિલના નામે જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત આ બાળ મેળાઓમાં શરીરની સ્વચ્છતા જાળવવા સાથે શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર વિવિધ પ્રવૃતિઓ જેવી કે, આનંદ મેળો, વસ્તુ - સામગ્રી વેચાણ સ્ટોલ, બાળકોનાં વજન - ઉંચાઇ માપવા, વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરેનું આયોજન કરવામાં આવશે. આ મેળામાં જે પ્રકારની પ્રવૃતિઓ યોજાવાની છે તેની યાદી પણ આપવામાં આવી છે. તે પ્રમાણે જીવન કૌશલ્ય મેળામાં વિદ્યાર્થીઓએ ફ્યૂઝ બાંધવો, સ્ક્રુ લગાવો, કુકર બંધ કરવું, ખિલ્લી લગાવવી, ટાયરનું પંચર કરવું સહિતની પ્રવૃતિઓ કરવાની રહેશે. જ્યારે ધોરણ ૧ થી ૫માં માટીકામ, છાપકામ, કાતર કામ, ચિત્ર કામ, ગાડી કામ, પપેટ શો, કાગળ કામ, રંગ-પુરણી, બાળવાર્તા, બાળ રમતો, એક મિનિટ, પઝલ્સ, ગણિત ગમ્મત, વેસ્ટમાંથી બેસ્ટ, હાસ્ય દરબાર, ગીત-સંગીત અભિનય, જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે. સામાન્ય રીતે જુદી જુદી શાળાઓ દ્વારા દર વર્ષે ઇકો કલબ, બાળ મેળો, આનંદ મેળો, ખાણી-પીણીના સ્ટોલ વગેરેનું આયોજન પ્રસંગોપાત કરવામાં આવતું હોય છે, પરંતુ શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ પ્રવેશ વખતે વાલીઓ બાળકોની વિવિધ પ્રવૃતિઓ નિહાળી શકે તે માટે આગામી જુન મહિનામાં પ્રવેશોત્સવ સાથે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રુપાણી સરકારના પ્લાન મુજબ બાળકોમાં આ પ્રકારની સ્કિલનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. જોકે સરકારના આ નિર્ણય બાદથી સોશ્યલ મીડિયામાં ટાયર પંક્ચર બનાવવાની વાતને લઈને ભારે ખીલ્લી ઉડાવાઈ રહી છે.