IPS, પીયુષ પટેલ, ગાંધીનગર: ભારત દેશની પોલીસ માટે અલભ્ય કહી શકાય તેવી દેશભક્તિભરી આ સિદ્ધી ગુજરાતના અનામત પોલીસ દળ એટલે કે SRP ના નામે નોંધાયેલી છે. પાકિસ્તાન સાથે લાંબી સરહદ ધરાવતુ ગુજરાત 1965 અને 1971 એમ બે યુદ્ધોનું સાક્ષી રહ્યું છે અને તે એક નવતર બાબત છે કે આ બંને યુદ્ધ વેળાએ ગુજરાતની એસઆરપીએ દેશમાં અનોખી એવી ફરજનિષ્ઠા અને દેશપ્રેમની નમૂનારૂપ ફરજ બજાવી છે. 1956નાં જંગમાં કચ્છની રણ સરહદે તૈનાત એસઆરપીના ત્રણ જવાનોએ પાકિસ્તાની લશ્કરની એક બ્રિગેડનો સામનો કરતી વખતે શહીદી વહોરી હતી. તો 1971ના યુદ્ધ બાદ ભારતે કબજો કરેલ પાકિસ્તાનના નગરપાકર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી પણ એસઆરપીએ એક વર્ષ સુધી સુપેરે પાર પાડીને દેશ અને દુનિયાના પોલીસ દળોના ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.

 હાલ ભારે માળખાકીય સુવિધાઓથી સજ્જ હોવા છતાં કચ્છની રણ સરહદ સલામતી દળો માટે ભારે પડકારરૂપ બની રહી છે. અર્ધ લશ્કરી સીમા સુરક્ષા દળ આધુનિક શસ્ત્રો અને સાધનોથી સજ્જ બનીને સીમાએ સતત જાપ્તો રાખે છે. પણ આજથી 50 વર્ષ અગાઉ અને ભારે ભેંકાર અને ભલભલાના હાંજા ગગડાવી દે તેવો માહોલ ધરાવતા કચ્છના રણના રખોપાની જવાબદારી ગુજરાતની એસઆરપી અને કેન્દ્રની સીઆરપીએફ પાસે હતી. સાવ અણધડ અને જૂની પુરાણી રાયફલોથી સજ્જ આ બે દળોની નાની નાની ટુકડીઓ છેક સરહદે તૈનાત હતી. માત્ર તંબુના આશ્રય લઇને ફરજ બજાવતા રાજ્ય અને કેન્દ્રના અનામત પોલીસ દળોના જવાનો અને અધિકારીઓની નિષ્ઠા અને દેશ પ્રેમ અનન્ય હતા.

એસઆરપીના ગોંડલ એકમની અમુક ટુકડીઓને છાડબેટ અને કંજરકોટ વિસ્તારની સરહદે તૈનાત કરાઇ હતી. મુખ્ય મથક ભુજથી પહોંચતા કલાકો લાગે એટલે દૂર પડકારરૂપ દુશ્મન અને માહોલ વચ્ચે આ જવાનો ખડે પગે હતા. 1965ના આરંભથી જ પાકિસ્તાને આ વિસ્તાર પર નાપાક ડોળો માંડ્યો હતો. 1965ના માર્ચ મહિનાથી જ પાકિસ્તાની લશ્કરે સરહદ પર જમાવટ કરીને પોતાના ઇરાદા છતા કરી દીધા હતા. દુશ્મનની આવી તૈયારીઓ છતાં પોલીસ દળના જવાનો ડર્યા વિના સાબદા રહ્યા હતા. એપ્રિલ મહિનાના આરંભમાં જ પાકિસ્તાની લશ્કરે સરહદ પર છમકલા શરુ કરી દીધા હતા. 10મી એપ્રિલે કંજરકોટની એક ચોકી પર મોટો હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફની ટુકડીએ સામનો કરતા પાંચ જવાનો શહીદ થયા હતા.

આ હુમલા બાદ 22 એપ્રિલના રોજ કંજરકોટ વિસ્તારના હનુમાન તલાઇ વિસ્તારની ચોકી પર પાકિસ્તાની લશ્કરે વધુ એક હુમલો કર્યો હતો. આ વખતે મોર્ચા પર ગુજરાતની એસઆરપીના જવાનો હતા. આ જવામર્દ જવાનોએ પાકિસ્તાની લશ્કરની બ્રિગેડનો સામનો કરવામાં જરા પણ પાછી પાની કરી ન હતી. આક્રમણને ખાળવા જતા એસઆરપીના બે હેડ કોન્સ્ટેબલ ગણપત ડી. ભોંસલે અને એસ.જી. સાળુંકે ઉપરાંત એક કોન્સ્ટેબલ પી.વી. કાંબલેએ શહીદી વ્હોરી હતી. આ ઉપરાંત જમાદાર વાય.પી. જાદવ, નાયક શ્રીપત કાલગુડે, કોન્સ્ટેબલ લાલચંદ જોડેગે, રમણલાલ ત્રિવેદી, કાનજી જગાજી અને જવાહરસિંહ ઘવાયા હતા. સીઆરપીએફ તો અર્ધ લશ્કરી દળનો દરજ્જો ધરાવે છે પણ એસઆરપી જેવા રાજ્યને સંગલગ્ન એવા આ દળ માટે માતૃભૂમીના રક્ષણ કાજેનું આ બલીદાન ખરા અર્થમાં બેજોડ ગણી શકાય.

1965માં કચ્છની રણ સરહદના રક્ષણની અનોખી ફરજ અદા કરનાર એસઆરપીએ તેના છ વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ફરીવાર પગ મુક્યો હતો. આ વખતે અગાઉથી જીતેલા પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની ફરજ એસઆરપી દળના ખભે મુકાઇ હતી. 1971ના જંગમાં પાકિસ્તાનનો મોટો વિસ્તાર ભારતીય દળોએ કબજે કર્યો હતો. જેમાં સિંધનો નગરપારકર તાલુકો મુખ્ય હતો. આ તાલુકાના મુખ્ય મથક પર કબજા બાદ એસઆરપીને આ વિસ્તારમાં પોલીસની ફરજ બજાવવાનો આદેશ મળ્યો હતો. અમદાવાદ સ્થિત એસઆરપી ગૃપ 2 નાં 20 અધિકારીઓ અને 1 હજાર જવાનો સાથે 20 તબીબોના કાફલાએ 40 વાહનો સાથે નગરપારકર પર ભારતીય પોલીસનું થાણું નાખ્યું હતું. તે સમયે એસઆરપીના કમાન્ડન્ટ વિજયસિંહ ગુમાનને એસપી ઓક્યુપાઇડ એરિયાનો ખાસ હોદ્દો અપાયો હતો. એક વર્ષ સુધી એટલે કે 1972માં શિમલા કરાર હેઠળ આ વિસ્તારને ખાલી કરીને પાકિસ્તાનને પરત કરવાનું નક્કી થયુ હતું. ગુજરાતની એસઆરપીએ ઓક્યુપાઇડ એરિયાના પોલીસતંત્રની ગર્વભરી ફરજ બજાવી હતી. એસઆરપીએ સ્થાનિક લોકોના દીલ જીતી લીધા હતા. પાકિસ્તાની રહેવાસીઓમાં હિન્દુસ્તાની ફોજ ઇંસાફ પસંદ હોવાની છાપ ઉભી થઇ હતી. ગુજરાત પોલીસે તે સમયે ભારતીય લશ્કર અને સ્થાનિક રહેવાસીઓ વચ્ચે કડીરૂપ કામગીરી બજાવી હતી. આ સમયગાળા દરમિયાનની સંખ્યાબંધ નમુનારૂપ કિસ્સા એસઆરપીના નામે નોંધાયેલા છે.

નગરપારકર વિસ્તાર યુદ્ધ વિરામ બાદ બીજી હરોળમાં એસઆરપીની ટુકડીઓ તૈનાત કરાઇ હતી. આ ટુકડીઓ નાના નાના ગામડાઓમાં પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવતી હતી. આવા જ એક ગામ ધનેજોગોઠમાંથી એક છોકરાની ભારતીય લશ્કરે અટકાયત કરી હતી. ગામ લોકોએ એસઆરપીને વિનંતી કરી કે આ છોકરાને મુક્ત કરાવવામાં મદદ મળે. છોકરાનો કોઈ મોટો ગુનો ન હોવાથી એસઆરપીએ તેને લશ્કરની અટકાયતમાંથી મુક્ત કરાવીને ગામ લોકોને સોંપ્યો હતો. ગામમાં તે સમયે લાગણીસભર વાતાવરણ ઉભુ થયુ હતું અને ગામ લોકોએ એસઆરપીએ ભેટમાં બકરો આપ્યો હતો.

દેશ અને દુનિયાના પોલીસ દળોમાં બેજોડ હોવાનું ગુજરાત પોલીસને ગૌરવ આપનાર તેના રાજ્ય પોલીસ અનામત દળની વણકહી ગાથા ખરા અર્થમાં ઇતિહાસનું અનોખુ પૃષ્ઠ છે. આજે પણ 1965ના જંગમાં પોતાના સાથીદારોના મૃતદેહ સરહદથી ભૂજ સુધી લાવનાર ડ્રાયવર ભાણજીભા જાડેજા પોતાના નિવૃત્ત જીવનમાં જવામર્દીની ગાથાની ગવાહી આપે છે. તો મુંબઇના નિવૃત્ત પીઆઇ રમેશ ભોંસલે પોતાના પિતા ગણપત ભોંસલેની શહીદીની યાદ આવે ત્યારે લાગણીસભર બની જાય છે. સલામ છે અનોખા પોલીસ દળની દેશભક્તિની ગાથાને.

(આ આર્ટિકલના લેખક ગુજરાત પોલીસના સિનિયર IPS હથિયારી એકમોના IGP પીયુષ પટેલ છે.)