મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : સોરઠ પંથકની ગીર ગાય દેશ-વિદેશમાં ભારે પ્રખ્યાત છે. ત્યારે ગત તારીખ 27 સપ્ટેમ્બરે સાઉથ ઇન્ડિયન ફિલ્મના સ્ટાર અર્જુન સારજાને પુત્રીએ જન્મદિવસની ભેટ તરીકે ગીર ગાય આપી હતી. અર્જુને પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ પોતાને મળેલી સર્વશ્રેષ્ઠ ભેટ હોવાનું જણાવ્યું હતું. તેમજ પરિવારના તમામ સભ્યો પણ આ ગીર ગાય પર વ્હાલ વરસાવતા હોવાના ફોટોઝ પણ અર્જુને ઓફિશિયલ પેજ પર મુક્યા હતા. હાલ આ અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને કલાકારનો ગીર ગાય પ્રત્યેના પ્રેમની લોકો સરાહના કરી રહ્યા છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં ગીર ગાયને જોતા જ અર્જુન સારજા ઉત્સાહમાં આવીને ગીર ગાયને વહાલ કરતો જોવા મળે છે. તેમજ તેમાં જોવા મળતો ટેમ્પો પણ જુનાગઢ પાસિંગનો હોવાનું જાણી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ગીર ગાય ટેમ્પો દ્વારા ગીર સોમનાથથી તામિલનાડુ મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે આ ગાય મોકલનાર વિશેની કોઈ માહિતી હજુસુધી મળી નથી, પરંતુ સાઉથના સ્ટાર અને તેના પરિવારનો ગીર ગાય પ્રત્યેનો પ્રેમ હાલ સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સરપ્રાઈઝ ગીફ્ટની ઘટના જે તે સમયે ત્યાં હાજર વ્યક્તિએ પોતાના કેમેરામાં કંડારી લીધી હતી. જે વીડિયો બાદમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે. વાયરલ થયેલો આ વીડિયો અહીં દર્શાવાયો છે.