મેરાન્યૂઝ નેટવર્ક, સેવાગ્રામ, મહારાષ્ટ્ર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા આજે મંગળવારે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના પ્રસંગે સેવાગ્રામ આશ્રમમાં આયોજીત પ્રાર્થના સભામાં સામેલ થયા હતા. રાહુલ ગાંધી સહિત યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ગાંધી બાપુની કુટિરમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી આપી. આ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ બાપુની કુટિરમાં વાસણ પણ ધોયા હતા.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પોતાના જીવનના છેલ્લા કેટલાક વર્ષો અહીં રહ્યા હતા. આ આશ્રમમાં રાહુલ ગાંધીએ આજે એક છોડ રોપ્યો હતો. આ છોડ રાહુલ ગાંધીએ તેમના સ્વર્ગિય પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ રોપેલા વૃક્ષની બાજુમાં રોપ્યો હતો. રાજીવ ગાંધી અહીં 1986માં એક વૃક્ષ રોપ્યુ હતું.

કોંગ્રેસના કોષાધ્યક્ષ અહેમદ પટેલે કહ્યું હતુ કે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવી અમારા માટે નવી વાત નથી. ભાજપ હવે ગાંધીજી અને સરદાર પટેલને યાદ કરી રહી છે.