પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ હત્યા કેસની તપાસ કરનાર ગુજરાત સીઆઈડી ક્રાઈમના પુર્વ ઈન્સપેક્ટર અને આ મામલાની તપાસ કરનાર વસંત સોંલકીને મુંબઈ કોર્ટ સામે જુબાની આપવા જવાનું છે પણ તેઓ કહે છે, મારા જીવનનું જોખમ છે અને કેટલાંક  વગદાર લોકોની ઈચ્છા છે કે હું કોર્ટમાં જઈ જુબાની ન આપુ. વર્ષ 2005માં ગુજરાત અને રાજસ્થાન પોલીસ દ્વારા ઠાર મારવામાં આવેલા ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા સીઆઈડી ક્રાઈમને તપાસ સોંપવામાં આવી ત્યારે આ કેસની તપાસ પોલીસ ઈન્સપેક્ટર વસંત સોંલકી દ્વારા કરવામાં આવી હતી. બાદમાં 2010માં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો ત્યારે તેઓ સીબીઆઈના સાક્ષી પણ થયા હતા.

વર્ષ 2006માં આ મામલો ગુજરાત સીઆઈડી ક્રાઈમ સામે આવ્યો ત્યારે કેસની પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તપાસ કરનાર પોલીસ ઈન્સપેક્ટર વસંત સોંલકી હતા. તેમણે એકત્રીત કરેલા પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનના આધારે ડીઆઈજી રજનીશ રાય દ્વારા સૌથી પહેલા આઈપીએસ અધિકારી ડી જી વણઝારા, રાજકુમાર પાંડીયન અને દિનેશ એમ એનની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આ કેસની તપાસમાં આઈજીપી ગીથા જોહરી સામેલ થયા અને અમિત શાહે આ કેસના કાગળો ફાડી નાખવાની વાત કરી ત્યારે સોંલકી તેના સાક્ષી રહ્યા હતા. આ તમામ બાબતો ઈન્સપેક્ટર સોંલકીએ સીબીઆઈના સાક્ષી તરીકે નિવેદનમાં નોંધાવી હતી.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આ કેસ હાલમાં મુંબઈ કોર્ટમાં ચાલી રહ્યો છે. હમણાં સુધી કોર્ટ આ કેસના સાક્ષીઓની તપાસ ચુકી છે. હવે આ કેસના તપાસ અધિકારીઓ અને ફોરેન્સિક અધિકારીઓના નિવેદન નોંધાઈ રહ્યા છે. આ મામલે ઈન્સપેક્ટર વસંત સોલકીને પણ મુંબઈ કોર્ટ સામે હાજર રહી જુબાની આપવાની હતી. પરંતુ સોંલકીએ મુંબઈ કોર્ટમાં હાજર થવાનો ઈન્કાર કરી દીધો છે તેની પાછળનું કારણ એવુ છે કે 2009માં સુપ્રીમ કોર્ટના આદેશથી આ કેસની તપાસ કરનાર વસંત સોંલકીને પોલીસ રક્ષણ આપવાનો આદેશ થયો હતો. લગભગ દસ વર્ષથી તેમની સુરક્ષા માટે અમદાવાદ પોલીસના સુરક્ષા જવાનો તૈનાત રહેતા હતા.

આ કેસની સુનાવણી કરી રહેલ મુંબઈ કોર્ટમાં જુબાનીનો નાજુક તબક્કો હવે શરૂ થયો છે. પણ તે પહેલા ગત તા. 18 જુલાઈના રોજ નિવૃત્ત પોલીસ ઈન્સપેક્ટર વસંત સોલકીની સુરક્ષા માટે રહેલા જવાનો સોંલકીના સુરક્ષામાં આવવાનું બંધ કરી દીધુ. આ મામલે વસંત સોંલકીને આશ્ચર્ય થયુ કારણ તેમની સુરક્ષા વ્યવસ્થા કેમ અટકાવી દેવામાં આવી તે અંગે તેમને અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી ન્હોતી. તેમણે આ મામલે ગુજરાતના ડીજીપી અને અમદાવાદના પોલીસ કમિશનર સહિત સીબીઆઈ ડાયરેક્ટરને પોતાની જાનનો ખતરો હોવાનું જણાવી સુરક્ષા કેમ પાછી ખેંચી લેવામાં આવી તેની જાણકારી માગતો પત્ર લખ્યો હતો.

પરંતુ અત્યંત મહત્વના કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીની સુરક્ષા અત્યંત નાજુક સમયમાં કેમ પાછી ખેંચાઈ તે અંગે કોઈ ઉત્તર સોંલકીને આપ્યો નહીં. આ દરમિયાન વસંત સોંલકીને મુંબઈ કોર્ટ સામે જુબાની આપવા જવાનું હતું. પરંતુ તેમણે મુંબઈ કોર્ટ સામે આવવાનો ઈન્કાર કરતા કહ્યુ મારા અને મારા પરિવરાની સુરક્ષા સામે ખતરો ઉભો થયો છે. આ કેસમાં સામેલ લોકો વગદાર છે. જો આ કેસના જજ(લોયા)ની હત્યા થઈ શકતી હોય તો હું પોલીસ સુરક્ષા વગર મુંબઈ કોર્ટ સામે કેવી રીતે જઈ શકુ? મને તો ડર છે કે કોઈ હિંસક ટોળુ મારા પરિવારને નિશાન પણ બનાવી શકે છે. મને લાગી રહ્યુ છે કે કેટલાંક લોકોની ઈચ્છા છે કે હું કોર્ટ સુધી પહોંચુ નહીં.