મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: ગુજરાત અને રાજસ્થાન પોલીસ દ્વારા 2005-2006માં થયેલા સૌહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસમાં વધુ એક આરોપી સીબીઆઈ કોર્ટનાં ફરી ગયો છે. અગાઉ 42 સાક્ષીઓના નિવેદન થયા હતા, જેમાંથી 18 સાક્ષીઓ સીબીઆઈને અગાઉ આપેલા નિવેદન કરતા વિરૂધ્ધ નિવેદન આપી ફરી ગયા હતા, હવે વધુ એક સાક્ષી  જેનો હૈદરાબાદ-સાંગલી હાઈવે ઉપર હોટલ છે, તેણે પણ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે.

સાંગલી હાઈવે ઉપર આવેલી હોટલના માલિકે સીબીઆઈ સામે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેની હાઈવે ઉપરની હોટલ ઉપર જમવા માટે અનેક વખત ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના પોલીસ અધિકારીઓ આવતા હતા, તે દિવસે ગુજરાત પોલીસની બે ટાટા સુમો આવી હતી, જેમાં રહેલા પોલીસ અધિકારીઓ તેની હોટલ ઉપર જમ્યા હતા, અને તેમણે કહ્યું હતું ગુજરાતના એક ખુખાર ગુનેગારને પકડવા માટે આવ્યા છે. 

આ પોલીસ અધિકારીએ સાંગલી જતી બસમાંથી એક મહિલા સહિત ત્રણ વ્યકિતઓને ઉતર્યા હતા, સીબીઆઈ દ્વારા જ્યારે આ હોટલ માલિકને સૌહરાબ, તુલસી અને કૌસરના ફોટો બતાડયા ત્યારે તેણે ત્રણેના ફોટો જોઈ આ વ્યકિતઓ જ હોવાનું નિવેદન આપ્યું હતું, જો કે સીબીઆઈ કોર્ટમાં જ્યારે તેણે નિવેદન આપવા બોલાવવામાં આવ્યા ત્યારે અગાઉ સીબીઆઈ સામે આ પ્રકારનું કોઈ નિવેદન આપ્યું જ નથી તેવું કોર્ટને જણાવ્યું હતું, આમ ગુજરાત પોલીસ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસ મુંબઈ સીબીઆઈ કોર્ટમાં ખોટી ઠરી રહી છે કારણ એક પછી એક સાક્ષીઓ પોતાના નિવેદનને નકારી રહ્યા છે.