પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ)  મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલે અચાનક રાજીનામુ આપી બધાને અચંબામાં મુકી દીધા હતા. તેવી જ રીતે થોડા દિવસ પહેલા આનંદીબહેન પટેલે અમિત શાહને પાઠવેલો પત્ર જાહેર કરી પોતે ચૂંટણી લડવા માગતા નથી તેવી જાહેરાત કરી ફરી એક વખત બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. પણ આનંદીબહેન ચૂંટણી લડવા માગતા નથી તેનું કારણ સૌથી આશ્ચર્યજનક છે. સુત્રોની જાણકારી પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતના મુખ્યમંત્રીનો કળશ કેન્દ્ર મંત્રી સ્મૃતિ ઈરાનીના માથે મુકવાનો નિર્ણય કર્યો હોવાની જાણકારી મળતા આનંદીબહેન ચૂંટણીમાંથી ખસી ગયા છે.

વિશ્વનિય સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્ડે સ્મૃતિ ઈરાનીને ગુજરાતની ચૂંટણીમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં ચૂંટણીમાં મળેલી જીત બાદ તેઓ ગુજરાતના શાસનની ધુરા પણ સ્મૃતિને સોંપવા માગે છે. આ બાબતની જાણકારી મળતા આનંદીબહેન વ્યથીત થઈ ગયા હતા. ગુજરાતની ચૂંટણી જીતવા માટે ભાજપ બહેનનો ઉપયોગ કરે અને ચૂંટણી જીત્યા બાદ તેઓ જો સ્મૃતિને મુખ્યમંત્રી બનાવવા હોય તો સ્મૃતિની સરકારમાં માત્ર ધારાસભ્ય તરીકે બેસવુ બહેન માટે અપમાનજનક હતુ. આવી સ્થિતિ ઉભી થતાં પહેલા જ આનંદીબહેન પટેલે પાણી પહેલા પાળ બાંધી તેઓ જીવનના અંત સુધી ભાજપ માટે કામ કરશે પણ ચૂંટણી લડશે નહીં તેવી જાહેરાત કરી દીધી છે.

સુત્રોના કહેવા પ્રમાણે ભાજપ હાઈકમાન્ડે માત્ર મુખ્યમંત્રી નહીં પણ નાયબ મુખ્યમંત્રી માટેના નામ પણ નક્કી કરી દીધા છે. જેમાં નરેન્દ્ર મોદીના સંઘના સાથીના પુત્ર અને પુર્વ ગૃહરાજ્યમંત્રી પ્રફુલ પટેલનું નામ અગ્રતા ક્રમ ઉપર છે. ત્યાર બાદ બીજા ક્રમે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા પણ નાયબ મુખ્યમંત્રી થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.