મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ સુરત મહાનગરપાલિકાની કામગીરીમાં કચાસ રહી ગયાનું પ્રકાશમાં આવ્યું છે. ઢોર પકડવા ગયેલી ટીમ પાસે ઢોરને લઈ જવા માટેનું વાહન ન હોવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં પણ ચાર કલાક સુધી ઢોરને ખાનગી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખવાની ફરજ પડી હતી. લોકરોષને શાંત કરવા એક તબક્કે પોલીસને પણ બોલાવવી પડી હતી અને પાર્કિંગની જગ્યા સરકારી અધિકારીઓએ સાફ પણ કરાવીને આપવી પડી હતી. 

મનપાની ઢોર પકડવાની ટીમ પર અવાર નવાર હુમલો થવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે. દરમિયાન વરાછામાં ઢોર પકડવાનું પાલિકાની ટીમને ભારે પડી ગયું હતું. ઢોર પકડી તો લીધા પણ તેને લઈ જવા માટે પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

સુરત મહાનગર પાલિકાની ટીમ સોમવારે વરાછામાં આવેલા ત્રિકમનગર નજીક ઢોર પકડવા પહોંચી હતી,  પૂરતી વય્વસ્થા ન હોવાના કારણે એક મકાનના પાર્કિંગમાં પરવાનગી વિના ઢોર પુરી દીધા હતા. મહા મુસીબતે 4 કલાક પછી ઢોર લઈ જવાની ગાડી આવી હતી. જેથી ચાર કલાક સુધી પાર્કિંગમાં ઢોર પકડી રાખતા તબેલા જેવો માહોલ સર્જાયો હતો.

પાર્કિંગમાં ઢોર ગોંધી રાખી 4 કલાક સુધી લેવા ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઉગ્ર વિરોધ થતા આખરે પોલીસ બોલાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને ત્યારબાદ સરકારી કર્મચારીઓએ ફાયર વિભાગની ગાડી બોલાવી પાર્કિંગ સાફ કરવાની ફરજ પડી હતી.