મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લામાં આવેલા મેશ્વો,વાત્રક અને માઝુમ જળાશયમાં આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો જોખમ ખેડી મચ્છીની લિજ્જત માણતા હોય છે તદઉપરાંત ગેરકાયદેસર માછીમારી કરી જીવન નિર્વાહ પણ ચલાવી રહ્યા છે. શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમમાં મચ્છી લેવા ગયેલા વેણપુર ગામના યુવકનો મૃતદેહ ૪૮ કલાક પછી ડેમના પાણીમાં તરતો મળી આવતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શામળાજી પોલીસે મેશ્વો ડેમના પાણીમાં તરતા યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મચ્છી લેવા ગયેલા યુવકની લાશ ૪૮ કલાક પછી મેશ્વો ડેમ માંથી મળી આવતા તેની પત્ની અને બે બાળકોએ રોકોક્કળ કરી મૂકી હતી. ૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બંને બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા શોકાગ્નિ છવાયી હતી. મચ્છી લેવા નીકળેલા જયપાલ સિંહનો મેશ્વોડેમમાં પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતરક સર્જાયા હતા. યુવકની હત્યા કે આત્મહત્યા કે પછી આકસ્મિક મૃત્યુ..?

બુધવારે સવારે વેણપુર ગામનો જયપાલસિંહ કનુસિંહ જાડેજા (ઉં.વર્ષ-૨૫) શામળાજી નજીક આવેલા મેશ્વો ડેમમાં મચ્છી લેવા જવાનું કહી રાત્રી સુધી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરી હતી. શુક્રવારે નાના સામેરા ગામની સીમમાં મેશ્વો ડેમમાં પાણી પર જયપાલનો મૃતદેહ તરતો દેખાતા પરિવારજનો અને શામળાજી પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને બહાર કાઢી પીએમ માટે ખસેડી શામળાજી પોલીસે જીતેન્દ્રસિંહ કનુસિંહ જાડેજાની જાહેરાતના આધારે સી.આર.પી.સી કલમ-૧૭૪ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.