મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અમદાવાદ-ઉદેપુર નેશનલ હા.નં-૮ પર શામળાજીથી હિંમતનગર ફોર ટ્રેક હાઈવે બેફામ ગતિએ હંકારતા મોટા વાહન ચાલકોને ભોગે નાના વાહન ચાલકો અને રાહદારીઓ સતત જીવ ગુમાવી રહ્યા હોવાથી અકસ્માત ઝોન જાહેર કર કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે. ધૂળેટી પર્વમાં કુશ્કી ગામના દંપતી બાઈક લઈ મિત્રના જેમના પ્રસંગમાં હાજરી આપી હિંમતનગરથી કુશ્કી ઘરે પરત ફરતી સમયે સુનોખ ગામ નજીક પાછળથી અજાણ્યા વાહને અડફેટે લેતા દંપતી રોડ પર પટકાયું હતું. જેમાં પતિની આંખો સામે પત્નીનું કમકમાટી ભર્યું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. પતિના શરીરે ઈજાઓ પહોંચતા તાબડતોડ મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ભિલોડા તાલુકાના કુશ્કી ગામના દંપતીના બાઈકને ધૂળેટીના પર્વમાં અકસ્માત નડતા અને દંપતી નંદવાતા સમગ્ર પંથકમાં શોકાગ્નિ ફેલાઈ હતી. કુશ્કી ગામના નટુભાઈ દુધાભાઇ સોલંકી તેમની પત્ની નિપુર્ણાબેન ઉર્ફે નીરુબેન સાથે બાઈક (ગાડી નં-GJ 31 F 7523 ) તેમના મિત્રના જેમના પ્રસંગમાં હાજરી આપી પરત કુશ્કી આવતા સુનોખ ગામની સીમમાં પાછળથી અજાણ્યા વાહને ધડાકાભેર ટક્કર મારતા બાઈક સવાર દંપતી રોડ પર પટકાયું હતું. બાઈક રોડ સાઈડ જઈ પડ્યું હતું. બાઈક પાછળ બેઠેલા નિપૂર્ણાબેન ઉર્ફે નીરુબેનના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

નટુભાઈના શરીરે ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ સારવાર અર્થે દવાખાને ખસેડ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતના પગલે દોડી આવેલી શામળાજી પોલીસે મૃતક મહિલાની લાશને પીએમ માટે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડી વસંત કુમાર દુધાભાઇ સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી ફરાર અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.