મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: ગુજરાતના અંકલેશ્વરમાં આવેલી કેમિકલ ફેક્ટરી દ્વારા પ્રદુષણ યુક્ત પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે તેના કારણે નર્મદા પ્રદુષિત થઈ રહી છે તે મતલબની એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા ટીકા કરી હતી કે જો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેની જવાબદારી નિભાવી શકતુ ના હોય તો ગુજરાત સરકારે તેને બંધ કરી દેવુ જોઈએ.

આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે વિવિધ એજન્સીઓને પોતાનો જવાબ રજુ કરવા જણાવ્યુ હતું કે જેમાં તમામ સરકારી એજન્સીઓ પોતાની જવાબદારી બીજી એજન્સીના માથે નાખી રહી  હોય તેવુ ગુજરાત હાઈકોર્ટને લાગ્યુ હતું. હાઈકોર્ટે સરકારી એજન્સીઓના આ પ્રકારના અભીગમની ટીકા કરતા જણાવ્યુ હતું કે જળ અને વાયુ પ્રદુષણ નાથવા માટે સરકારી એજન્સીઓ કંઈ કરી રહી નથી. તેમને પૃથ્વીને થઈ રહેલા નુકશાનની ચિંતા નથી. જ્યારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની સ્થિતિ દાંત અને નખ વગરના વાધ જેવી છે જો પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તેની જવાબદારી નિભાવી શકવામા સક્ષમ નથી તો રાજ્ય સરકારે બોર્ડ જ બંધ કરી દેવુ જોઈએ.