મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પાકિસ્તાની ઓલરાઉન્ડર અને ભારતની ટેનીસ પ્લેયર સાનીયા મિર્ઝાના પતિ શોએબ મલિકના માથા પર બોલ વાગ્યો છે. ચાલુ મેચમાં બનેલી આ ઘટનામાં મલિક ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના ન્યૂઝીલેન્ડ સામે રમાતી ચોથી વનડે ઈન્ટરનેશનલ દરમિયાન બની છે. જોકે તેણે બાદમાં પણ રમવાનું ચાલુ રાખ્યું હતું પણ ફિલ્ડીંગ કરવા માટે મેદાને ઉતર્યો ન હતો.

ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, મલિક હેલમેટ કે હેટ પહેર્યા વગર જ ક્રિઝ પર ઉતર્યો હતો કારણ કે આ સમયે ન્યૂઝીલેન્ડના સ્પિનર્સ બોલીંગ કરી રહ્યા હતા. આ ઘટના પાકિસ્તાનની બેટીંગના 32મા ઓવરમાં બની હતી. જ્યારે મલિક એક ફાસ્ટ રન લેવા દોડ્યો હતો પણ મહોમ્મદ હફિઝે તેને પાછો મોકલ્યો હતો. મલિક જ્યારે પોતાની ક્રિઝ પર પાછો જઈ રહ્યો હતો ત્યારે જ પોઈન્ટ પર ઊભા રહેલા કોલિન મુનરોનો થ્રો તેના માથે વાગ્યો હતો. માથામાં પાછળના ભાગે વાગતા મલિક નીચે પડી ગયો હતો. થ્રો એટલો જોરથી વાગ્યો હતો કે માથા સાથે બોલ અથડાયા બાદ બોલ બાઉન્ડ્રી બહાર જતો રહ્યો હતો.

ઘણા સમય બાદ ફરી બેટિંગ કરવા આવવાનું શોએબએ નક્કી કર્યું હતું. જ્યારે આ ઘટના થઈ ત્યારે તે 1 રન મારી ક્રિઝ પર ઊભો હતો. જે પછી ત્રણ બોલ રમી છ રનમાં તે આઉટ થઈ ગયો હતો.

મલિકના મેદાન પર ઉતરવા પર તેના ફિઝિયોથેરાપીસ્ટ વીબી સિંહે કહ્યું કે, બોલ વાગવાથી મલિક રમી નહીં શકે તેથી ફિલ્ડીંગમાં નહીં ઉતરે. મલિક ઠીક છે અને સારી રીતે રિકવર કરી રહ્યા છે. માથામાં બોલ વાગવાથી લોહી જામી ગયું છે જેના કારણે તેમને માથાનો દુઃખાવો થઈ રહ્યો હોઈ ફિલ્ડમાં નહીં ઉતરે. જે પછી સીરીઝના ચોથા મેચમાં પાક.ને ન્યૂઝીલેન્ડના હાથે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.