પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તા 14મી ફેબ્રુઆરીના રોજ અમે ગુજરાત પોલીસ દળના નાના મોટા પોલીસ કર્મચારીઓને પડી રહેલી રજાની તકલીફ સહિત માનસીક તણાવ સંબંધી એક સ્ટોરી લખી હતી, જેમાં નોકરીના નિયત કલાકો કરતા વધુ કામ કરતા પોલીસ કર્મચારીઓને થઈ રહેલી માનસીક અને શારિરીક તેમજ સામાજીક સમસ્યાઓઓ તરફ ડીજીપીનું ધ્યાન દોરવાનો પ્રયત્ન હતો, તેમાં ડીજીપીની ટીકા કરવાનો અથવા તેમને આમ જનતા વચ્ચે ઉતારી પાડવાનો જરા પણ પ્રયાસ અથવા તેવી લાગણી ન્હોતી. આમ છતાં ડીજીપી ઓફિસ હસ્તકના સ્ટેટ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષક જી જી જસાણીએ ડીજીપી શિવાનંદ ઝા વતી મોકલાવેલો રદીયો પણ અમે વાંચકો સામે મુકીએ છીએ કારણ પત્રકારત્વના ધોરણ પ્રમાણે જેમના અંગે સમાચાર પ્રસિધ્ધ થાય તેમનો મત પણ જાણવો અને પ્રસિધ્ધ કરવો જોઈએ, જેનો ભાવાર્થ અહીંયા મુકીએ છીએ.

(1) DGP રાહ જોઈ રહ્યા છે હજુ થોડા પોલીસ આત્મહત્યા કરે પછી માનસીકતા બદલીશુ આ મથાણા હેઠળ પ્રસિધ્ધ થયેલા સમાચારની વિગતો સાચી નથી,

(2) લોક રક્ષકથી લઈ ડીવાયએસપી સુધીની રજા મંજુર અથવા નામંજુર કરવાની સત્તા શહેરમાં કમિશનર પાસે અને જિલ્લામાં ડીએસપી પાસે છે.આ કક્ષાના અધિકારી રજા મંજુર અને ના મંજુર કરવાની સત્તા ડીજીપી કચેરી પાસે નથી.

(3) રજા આપવાનો નિર્ણય સંપુર્ણ રીતે સ્થાનિક કક્ષાએ લેવામાં આવતો હોય છે. દરેક વિસ્તારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આધીન સ્થાનિક અધિકારીઓ તેનો નિર્ણય લેતા હોય છે, તાજેતરમાં સુરત પોલીસને વિકલી રજા આપવાનો નિર્ણય કર્યો તેને અમે આવકાર્યરીએ છીએ પરંતુ આ નિર્ણયમાં ડીજીપી ઓફિસનો કોઈ આદેશ નથી અને તેની સમીક્ષા પણ અમે કરતા નથી.

(4) ત્રણ પોલીસ અધિકારીઓ કરેલી આત્મહત્યા માટે ડીજીપીને જવાબદાર ગણવા યોગ્ય નથી કારણ આ આત્મહત્યા રજા નહીં મળવાને કારણે થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યુ નથી આમ હેડીંગ અને તેની વિગતો એકબીજા સાથે સુસંગત જણાતી નથી આ ઉપરાંત પોલીસ કર્મચારીઓને રજા આપવા અને તેમનો તણાવ ઘટે તે અંગેના કોઈ આદેશ ડીજીપી ઓફિસ દ્વારા આપવામાં આવ્યા નથી કારણ આ પ્રકારના કોઈ અધિકારનો ઉપયોગ ડીજીપી ઓફિસ કરતી નથી. આમ આવી ઘટના માટે ડીજીપીને જવાબદાર માની શકાય નહીં તેના કારણો રજુ કર્યા છે.

(5) meranews.,com વેબસાઈટ ગુજરાતની અગ્રણ્ય વેબસાઈટ છે, ઈન્ટરનેટ ઉપર મુકવામાં આવતા સમાચારની વિશ્વસનીયતા જળવાઈ રહે તે જોવાની  નૈતિક જવાબદારી માધ્યમોની છે જ્યારે રાજ્યના ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા પોલીસ અધિકારી સામે ખોટા આરોપ મુકતા સમાચાર પ્રસિધ્ધ થાય ત્યારે પ્રજા માનસમાં  પ્રશ્નાર્થ ઉભો થાય છે. આમ આ સમાચાર સત્ય વિહીન છે તેથી અમે રદીયો આપી છીએ જે પ્રસિધ્ધ કરવા વિનંતી છે.

DGP શિવાનંદ ઝાના ઉલ્લેખ સાથે હેડીંગ સાથે પ્રસિધ્ધ થયેલા સમાચાર સંદર્ભમાં ડીજીપી ઓફિસ દ્વારા મોકલવામાં આવેલો રદીયો અમે વાંચકો સામે મુકયો છે જેના સંદર્ભમાં હવે અમારે પણ કઈક કહેવાનું થાય તે પણ અહિયા મુકીએ છીએ

(1) DGP રાહ જોઈ રહ્યા છે હજુ વધુ પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરે પછી આપણે માનસીકતા બદલીશુ તેવા મથાળા નીચે પ્રસિધ્ધ થયેલા સમાચાર સત્યા વિહીન હોવાનું આપને એટલા માટે લાગ્યુ કે મથાળામાં આપનો ઉલ્લેખ થાય પણ જે મથાળુ તે વ્યંગાત્મક છે જેમા આપની કોઈ જવાબદારી નથી તે અમે પણ જાણીએ છીએ પણ આપ ગુજરાત પોલીસના વડા હોવાને કારણે અમે મથાળામાં DGP શબ્દનો પ્રયોગ કર્યો હતો, જયાં સુધી માનસીકતા બદલવાનો સવાલ છે ત્યાં સુધી અમે તમને 30 વર્ષથી એક પોલીસ અધિકારી તરીકે કામ કરતા જોયા છે. તમે નાના તબ્બકાના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સહિષ્ણુ વ્યવહાર કરો છો અને તેમની સમસ્યા સમજો છે તેવી જ રીતે ગુજરાતના તમામ સિનિયર પોલીસ અધિકારીઓ તેવી માનસીકતા સાથે કામ કરે તેવુ કહેવાનો ઈરાદો છે જે સ્વંય સ્પષ્ટ છે.

(2) લોકરક્ષકથી લઈ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની રજા મંજુર કરવાની સત્તા પોલીસ કમિશનર અને ડીએસપી પાસે છે તે વાતથી અમે સારી રીકે વાકેફ છીએ, અમે જાણીએ છીએ કે તેમા તમે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ અમે તમારૂ રાજ્યના પોલીસ વડા તરીકે ધ્યાન દોરવા માગતા હતા કે શહેર અને જિલ્લામાં કામ કરતી પોલીસને રજા નહીં મળવાને કારણે શારિરીક-માનસીક અને સામાજીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આમ તમે તે દિશામાં કઈક કરો એટલી જ વિનંતીનો સુર હતો.

(3) ડીજીપી ઓફિસ રજા આપવા અને ના મંજુર કરવા મુદ્દે કોઈ નિર્ણય લેતી નથી અને તે અંગે તમે કોઈ આદેશ પણ આપ્યો નથી તે વાત સાચી છે. આપે સુરત પોલીસને વિકલી ઓફ આપવાની જાહેરાંતની પ્રસંશા કરી છે, અમે એટલુ જ કહેવા માગીએ છીએ સુરત પોલીસ દ્વારા પોલીસને વિકલી ઓફ આપવાની જે સારી શરૂઆત કરવામાં આવી તેવી શરૂઆત ગુજરાત પોલીસના તમામ પોલીસ કમિશનરો અને ડીએસપી કરે, આમ એક નવી શરૂઆત માટે આદેશ આપી શકો નહીં, તેનાથી અમે વાકેફ છીએ પણ પોલીસ દળના વડા તરીકે આપ એક સારી શરૂઆત માટે સૂચન તો અવશ્ય કરી શકો એટલુ જ અમારે કહેવાનું છે.

(4) રાજ્યના ત્રણ પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી તેના માટે કાયદાકીય રીતે આપ જવાબદાર નથી, રાજ્યમાં કર્જમાં ડુબેલો ખેડૂત આત્મહત્યા કરે તો રાજ્યના મુખ્ય પ્રધાન કાયદાકીય રીતે જવાબદાર નથી, રોડ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો ટ્રાફિક કમિશનર તેના માટે કાયદાકીય રીતે જવાબદાર નથી તેનાથી અમે સારી રીકે વાકેફ છીએ, પણ વાત અહિયા કાયદાની નથી, પણ સંવેદનાની છે. આપ સંવેદનશીલ અધિકારી છો, જે પોલીસ અધિકારીઓ આત્મહત્યા કરી તેમને રજા નહીં મળવાને કારણે આત્મહત્યા કરી તેવી કાગળ ઉપર માહિતી નથી છતાં તમામ આત્મહત્યા કરનાર વ્યકિતઓ તણાવમાં જ હોય છે અને ત્યારે જ તે અંતિમવાદી પગલુ ભરે છે, તેવું મેડીકલ સાયન્સ પણ કહે છે. આમ પોલીસ તણાવમાં કામ કરી રહી છે તે પીડા તરફ તમારૂ ધ્યાન દોરવાનો પ્રયાસ હતો.  આમ પોલીસની આત્મહત્યા માટે કાયદાકીય આપની જવાબદારી નથી તે વાત સાચી પણ આપ તમારી નૈતિક જવાબદારી પણ નથી તેમ કહી પોલીસનો હાથ છોડી શકો નહીં.

(5) આ સમાચાર ખોટા છે અને આપ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર બેસતા અધિકારીને પ્રજામાં ઉતારી પાડવાનો પ્રયાસ હરગીજ નથી. પત્રકારત્વના ધોરણો પ્રમાણે અમારી જે કઈ નૈતિક જવાબદારી છે તેને ચુસ્તતા પ્રમાણે વળગી રહેવાનો અમારો સતત પ્રયાસ છે. આ સમાચારનો હેતુ આપની વિરૂધ્ધ આરોપ મુકવાનો અથવા પ્રજા માનસમાં તમારૂ જુદુ ચિત્ર ઉભુ કરવાનો ઈરાદો નથી પણ આ સમાચાર દ્વારા ગુજરાત પોલીસની જડ વ્યવસ્થાને જગાડવાનો અને ઢંઢોળવાનો પ્રયાસ છે. જેના કારણે બહુ નહીં તો થોડાક નવી અને સારી ઘટના ગુજરાત પોલીસના જવાનોના જીવનમાં થાય બસ આટલુ જ.