મેરાન્યૂઝ નેટવર્ક.કચ્છ : ગુજરાત તરફ આગળ વધી રહેલા વાયુ નામનાં વાવાઝોડાને પગલે કચ્છનાં સમુદ્રી વિસ્તારમાં સાવચેતીનાં પગલા લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મેજર પોર્ટ કંડલા દ્રારા ડીઝાસ્ટર પ્લાનને એક્ટીવેટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પોર્ટ ઉપર શિપની મુવમેન્ટ પણ અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ કચ્છનાં જીલ્લા પ્રશાસન દ્રારા સંભવિત વાવાઝોડાને ઘ્યાનમાં રાખીને કચ્છની તમામ શાળાઓને બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો છે. 

બુધવારે વહેલી સવારે બે વાગ્યાના અરસામાં 'વાયુ' ગુજરાતનાં દરિયા કાંઠે દસ્તક આપી શકે છે તેવામાં કચ્છ જીલ્લા વહીવટી તંત્ર દ્રારા પણ તેની આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાવાઝોડાના સમયે લોકોને સલામત સ્થળે ખસેડવા પડવાની સ્થિતિમાં શાળાઓમાં રાખવાનાં હોવાથી આ નિર્ણય કરવામા આવ્યો છે. કચ્છનાં દરિયાકાંઠાવાળા વિસ્તાર, ખાસ કરીને કંડલા, માંડવી, જખૌ, કોટેશ્વર વગેરે એરિયામાં મરીન પોલીસ ઉપરાંત સ્થાનિક તંત્રના લોકોને પણ સાવચેત રહેવાની સુચના આપવામાં આવી છે.

કંડલા બંદરે મંગળવાર બપોરથી જ બે નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ છે તથા કંડલા વિસ્તારમાંથી સાંજ સુધીમાં લોકોને ખસેડવાની કામગીરી કરવામા આવી હોવાનું પોર્ટનાં પ્રેસ બુલેટીનમાં જણાવાયું છે.

વાવાઝોડા ની આગાહી ને કારણે કરછના તમામ સોલ્ટ વર્કસ અગરીયાઓએ મીઠાં કામદારો ને સુચના આપવામાં છે કે આવતીકાલે તારીખ 12 થી 15 સુધી કારખાના માં કોઈ આગરીયા કે મજૂર ન રાખવા અને  સુરક્ષિત સ્થળે ખસેડી લેવાની કચ્છ સોલ્ટ એસોશીએશન દ્રારા સુચના આપવામાં આવી છે. તથા તમામ આગરીયા ને કચ્છમાં અંજાર તાલુકામાં આવેલા જોગણીનાર માતાજીના મંદિર પાસે રહેવા તથા જમવાની પણ સગવડ કરવામાં આવેલી છે.