મેરાન્યૂઝ નેટવર્ક, જોહાનિસબર્ગ: દક્ષિણ આફ્રિકા સામે રમાઇ રહેલ વન ડે મેચમાં ટીમ ઇન્ડિયાના લેફ્ટ હેન્ડ અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આજે પોતાની કારકિર્દીની 100મી વન ડે મેચમાં શાનદાર સદી ફટકારી છે. વરસાદને કારણે આ મેચ અટકી પડી છે કે અને હાલ સુધીમાં શિખર ધવન 102 બોલમાં 107 રન બનાવી મેદાનમાં છે અને તેણે 10 ચોક્કા અને 2 છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી છે અને 2 વિકેટ પર 200 રનનો સ્કોર 34.2 ઓવરમાં બન્યો છે તથા વરસાદને કારણે મેચ અટકી છે.

પોતાની 100મી વન ડે માં સદી ફટકારનાર શિખર ધવન દુનિયાનો નવમો અને ભારતનો પ્રથમ બેટ્સમેન બન્યો છે. શિખર ધવનની વન કારકિર્દીની આ 13મી સદી છે. આ પહેલા શિખ્ર ધવને 4 વન ડે મેચ પહેલા શ્રીલંકા વિરૂદ્ધ વિશાખાપટ્ટનમમાં પણ અણનમ 100 રન બનાવ્યા હતાં.

શિખર ધવન પહેલા વેસ્ટ ઇન્ડિઝના ગાર્ડન ગ્રીનેજ, ન્યૂઝીલેન્ડના ક્રિસ કેયર્સં, પાકિસ્તાનનાં મોહંમદ યુસુફ, શ્રીલંકાના સંગાકારા, વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ, ઇંગ્લેન્ડના મારકસ ટ્રેસકોથિક, વેસ્ટ ઇન્ડિઝના રામનરેશ સરવન અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર પોતાની 100મી વન ડે માં સદી ફટકારી ચુક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરવ ગાંગુલી પોતાને નામ આ રેકોર્ડ બનાવવાથી ત્રણ રનથી ચુકી ગયો હતો અને પોતાની 100મી વન ડેમાં 97 રને આઉટ થયો હતો.