પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): પોલીસ અને પત્રકારોનું  કામ લગભગ સરખુ હોય છે. પોલીસની સતત તપાસની પ્રક્રિયાને કારણે તેમની અંદર અનાયસે બરછટતા આવી જાય છે. જ્યારે સમાચારોની હોડમાં પત્રકાર પણ સંવેદના ગુમાવી દે છે. જેના કારણે તેને મન દરેક માણસ માત્ર એક સ્ટોરી બની રહી જાય છે.

સુરતમાં જે માસુમ છોકરી હજી પારકા સ્પર્શને સમજી શકે તે પહેલા તેની ઉપર અસંખ્ય વખત બળાત્કાર થયો હતો અને તેની ઉપર બળાત્કાર કરનાર એવો પુરૂષ હતો કદાચ તે તેની અંદર પોતાના પિતાને શોધી રહી હતી. તે પુરૂષે છોકરીની નજર સામે જ તેની  માતાની હત્યા કરી નાખી અને ત્યાર બાદ છોકરી કોઈની સામે મોંઢુ ખોલે નહીં તે માટે કાયમ માટે તેનું મોંઢુ પણ બંધ કરી દીધુ હતું.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સુરત પહોંચી હતી. અમદાવાદની  પોલીસ પાસે સુરત પોલીસે ઘટના સ્થળે પાડેલો છોકરીની લાશનો ફોટો જ હતો, છોકરી કોણ હોઈ શકે તે જાણવા માટે જયારે પોલીસ અધિકારીઓએ ફોટોને અનેક વખત જોયો અને ચહેરો સ્પષ્ટ કરવા માટે જ્યારે ફોટોને ઝુમ કર્યો ત્યારે પોલીસની નોકરીમાં અનેક હત્યા કેસ ઉકેલનાર પોલીસ અધિકારીઓ પણ અંદર ધ્રુજી ગયા હતા. તેમને આ છોકરીની હત્યા વખતે તેને કેટલી પીડા થઈ હશે તેનો અંદાઝ આવી રહ્યો હતો. છોકરીનો ફોટો ધ્યાનથી જોયો ત્યારે સમજાયુ કે છોકરી ઉપર જ્યારે બળાત્કાર થયો અથવા તેને મારી નાખવા માટે નરાધામે બળપ્રયોગ કર્યો ત્યારે તે બાળકી ખુબ રડી હશે.

હવે બાળકીની લાશનો ફોટો જ ઘણુ બધુ કહી રહ્યો હતો. બાળકીની લાશના ફોટોમાં  સ્પષ્ટ થતુ હતું બાળકીએ પેલા નરાધામને રડતાં રડતાં છોડી દેવા માટે વિનંતી કરી હશે, તે રડી રડીને થાકી ગઈ હતી, તે મૃત્યુ પામી ત્યાં સુધી રડતી રહી હશે કારણ તેની આંખમાંથી નિકળેલા આંસુ આંખના ખુણા પાસે રોકાઈ સુકાઈ ગયા અને સુકાયેલા આંસુને કારણે તેની આંખના ખુણા સફેદ થઈ ગયા હતા. તસવીર ક્યારેય રડતી નથી પણ સુરતની બાળકીની લાશની  તસવીરમાંથી ટપકતા આંસુ પોલીસ અધિકારીઓને રડાવી ગયા હતા.