મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુદ્દે અને સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના મુદ્દે બહાર આવેલા અલગ અલગ તર્ક વિતર્કોના મુદ્દે આજે આખરે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણની તકતીના લોકાપર્ણની તસ્વીર બહાર આવતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો દાવો સાચો પડ્યો છે. શંકરસિંહ વાઘેલાના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીસ્ટ પાર્થેશ પટેલે આ તસવીર સોર્સ કરીને મેરાન્યૂઝને આપી હતી.

૩૧મી ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિશ્વના સૌથી ઊંચા સ્ટેચ્યુનું રાષ્ટ્રાપર્ણ કેવડિયા ખાતે કર્યું હતું તે સમયે જ ભાજપ-કોંગ્રેસ અને અન્ય લોકો વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલના અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના નામકરણને લઈને સોશિયલ મીડિયામાં દાવાઓ સામે આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે આ નામકરણ તેમની સરકારમાં થયું હતું.

આ  દાવાને સાબિત કરતાં પુરાવાઓ મેળવવા ખુદ શંકરસિંહ વાઘેલા સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગયા હતા અને એ જગ્યાએ જ મુલાકાત લીધી હતી જ્યાં આ તકતી જે તે સમયે લગાવામાં આવી હતી. આજે બહાર આવેલી આ તસવીર ૭મી ડિસેમ્બર, ૧૯૯૬ની છે જેમાં તે સમયના ભારતના પ્રધાનમંત્રી એચ. ડી. દેવગૌડા,  ગુજરાતના રાજ્યપાલ ક્રિશ્નાપાલ સિંહ અને મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સરદાર પટેલ ઇન્ટરનેશન એરપોર્ટના નામકરણની તકતીનું લોકાપર્ણ કરતાં નજરે પડે છે.

શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો હતો કે કેન્દ્રમાં જ્યારે દેવગૌડાની સરકાર હતી અને ગુજરાતમાં તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે એરપોર્ટનું નામકરણ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ ભાજપ સમર્થિક કેટલાક લોકોએ સોશિયલ મીડિયામાં દાવો કર્યો હતો કે, જ્યારે નામકરણ કરવામાં આવ્યું ત્યારે કેશુભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. આ ટિપ્પણીઓ પર ટ્વીટર પર ઘમાસણ થયું હતું અને આ બાદ શંકરસિંહ વાઘેલા જ જાતે એરપોર્ટ પહોંચી ગયા. અમદાવાદ પહોંચેલા શંકરસિંહ વાઘેલાએ ત્યાં જોયું હતું અને  માલુમ પડ્યું કે એમની સરકાર વખતે નામકરણની જે તકતી લગાવવામાં આવી હતી એ ગાયબ હતી.  જ્યારે  તેમણે આ તકતી વિષે એરપોર્ટ અધિકારીઓને  પૂછ્યું હતું પણ કોઈ ચોક્કસ જવાબ મળ્યો ન હતો અને તકતી કોણે ઉખાડી કેમ ઉખાડી એ વાત પણ બાપુને ખબર ન પડતાં તેઓ પાછા આવ્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ મુલાકાત પછી  જાહેર કર્યું હતું કે સરદાર પટેલના નામે જ્યારે અમદાવાદ એરપોર્ટનું નામકરણ કરવાનું હતું ત્યારે વિરોધમાં ભારતીય જનતા પાર્ટી હતી અને તેમના એક મહિલા નેતા કાળો વાવટો લઈને વિરોધ કરવા આવ્યા હતા. હવે બહાર આવેલી તસવીરે શંકરસિંહનો દાવો સાચો પાડ્યો છે અને અન્ય પાર્ટીઓના દાવોઓ ખોટા પાડ્યા છે.