મેરાન્યૂઝ નેટવર્ક ગાંધીનગર: બે-બે દસકા સુધી ભાજપ અને કોંગ્રેસમાં ઉચ્ચ હોદ્દા પર રહ્યા બાદ આ બંને રાષ્ટ્રીય પક્ષોને રામ... રામ કરનાર શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાયા છે પરંતુ ગઈ લોકસભામાં થયેલા કારમા પરાજયને નહીં ભૂલેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ વખતે લોકસભાની ચૂંટણીમાં ક્યાંય મેદાનમાં ઉતરવાના નથી પરંતુ કોંગ્રેસ સાથે ગઠબંધનના ભાગરૂપે માંગેલી ચાર સીટમાંથી જેટલી બેઠક મળે તેમાં એનસીપીના મજબુત ઉમેદવારો લડાવશે. પરંતુ કોંગ્રેસ સામે લોકસભાની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર પણ નહીં ઉભો રાખે...પરંતુ ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં જો કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય તો એનસીપી તમામ ચાર બેઠકો ઉપર પેટાચૂંટણી લડશે.

ગુજરાતની ૨૬ બેઠકો માટે ૨૩ એપ્રિલે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં સત્તાધારી ભાજપ દ્વારા તો ૧૬ ઉમેદવારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જયારે કોંગ્રેસ દ્વારા માત્ર ૪ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરાયા બાદ હજુ કવાયત ચાલી રહી છે. ત્યારે એનસીપી અને અન્ય પક્ષ સાથે ગઠબંધન ફાઈનલ થયું નથી. પરંતુ એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા હવે ગાંધીનગરમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી અટકળો સાથે રાજકીય અફવાઓ પણ ચાલી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, અગાઉ ગોધરા બેઠક માટે લડવા તૈયાર થયેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એકપણ બેઠક પરથી ચૂંટણી લડવાના નથી.

એનસીપી દ્વારા ગુજરાતમાં કુલ ચાર બેઠકો કોંગ્રેસ પાસેથી માંગવામાં આવી છે. જેમાં ગોધરા, પોરબંદર, સાબરકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે. તેમાંથી ઓછામાંઓછી બે બેઠકો મળશે તેવો આશાવાદ એનસીપીને છે.

આમ છતાં પણ જો એકપણ બેઠક નહીં મળે તો પણ એનસીપી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે એકપણ ઉમેદવાર ઉભો નહીં રાખી સમર્થન આપશે. પરંતુ ગુજરાતમાં વિધાનસભાની ચાર બેઠકો માટે યોજાનારી પેટાચૂંટણીમાં એક-બે બેઠકમાં ગઠબંધન નહીં થાય તો એનસીપી તમામ ચારે બેઠક ઉપર પેટાચૂંટણીનો જંગ લડશે. આ માટે એનસીપી દ્વારા ઉમેદવારોની યાદી પણ ફાઈનલ કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કદાચ ભાજપમાં જોડાય કે ના જોડાય તો પણ તે આ વખતે લોકસભાની ચૂંટણી અથવા વિધાનસભાની પેટાચૂંટણી નહીં લડે.