પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ):  શંકરસિંહ વાઘેલા ભાજપ વિરોધી પક્ષોને એકત્રિત કરી 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપની સામે લડવાની જાહેરાત કરી છે. પહેલી નજરે સામાન્ય માણસને બાપુ ભાજપ વિરોધી છે તેવો ભાસ થઈ રહ્યો છે. પરંતુ ખુદ બાપુની નજીકના સાથીઓને ખબર છે કે બાપુના તમામ રાજકિય નિર્ણયો પાછળ માત્રને માત્ર પોતાનો અંગત સ્વાર્થ હોય છે. દરેક વખતે બાપુ વસંત વગડામાં પોતાના માનીતા લોકોને એકત્રીત કરી અગાઉથી પોતે નક્કી કરેલા નિર્ણયને ઠરાવનું  સ્વરૂપ આપે છે.

શંકરસિહ વાઘેલાના અંગત મદદનીશ ભૌમીક ઠક્કર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ નોટમાં  બેરોજગારી- પેટ્રોલના વધેલા ભાવ વિદેશ નીતી સહિત મોંધવારી જેવા મુદ્દે વાઘેલા  દ્વારા નરેન્દ્ર મોદી અને ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીકા કરવામાં આવી હતી, વગડામાં એકત્રીત થયેલા બાપુ સમર્થકોએ બાપુને વિનંતી કરી હતી કે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે નેતૃત્વ કરવુ જોઈએ. આ ઠરાવ બાદ બાપુએ પત્રકાર પરિષદ કરી મહાગઠબંધનને ટેકો આપવાની જાહેરાત કરી હતી. જેમ નરેન્દ્ર મોદી પાછળ પણ બહુ મોટો અંધ સમર્થક વર્ગ છે તેવો બાપુ પાસે એક નાનો સમર્થક વર્ગ છે, તેમને મન બાપુ મહાન નેતા છે.

પરંતુ વર્ષો સુધી બાપુની નજીક રહેલા સાથીઓ માને છે કે બાપુએ જ્યારે પણ કોઈ પણ રાજકિય નિર્ણય લીધો અથવા પક્ષો બદલ્યા ત્યારે તેમણે માત્રને માત્ર પોતાના હિતની ચિંતા કરી, તેમના સાથીઓનું શુ થશે અથવા તેમની સંભાળ લેવાની ક્યારેય દરકાર કરી નથી.  બાપુ સાથે જેમણે ભાજપ છોડ્યુ અને કોંગ્રેસમાં ગયા હતા તે બધા પસ્તાયા હતા. ત્યાર બાદ બાપુએ કોંગ્રેસ છોડી, જયારે પોતાના સંબંધી બળવંતસિંહ  અને પુત્ર મહેન્દ્રસિંહને ભાજપમાં મોકલી આપ્યા હતા. 1995માં બાપુએ ભાજપને દગો દીધો ત્યાર બાદ બાપુ પ્રજામાં ક્યારેય સ્વીકાર્ય નેતા બન્યા નથી. જેના કારણે હવે હવે બાપુએ નરેન્દ્ર મોદી અને ભાજપ સામે લડવાની જાહેરાત કરી છે, તે ભાજપના હિતમાં ગોઠવાયેલી રમતનો હિસ્સો જ છે.

નરેન્દ્ર મોદી અને અમિત શાહ  રાજકારણના માહિર ખેલાડી છે. કોંગ્રેસના નેતા વિચારવાનું બંધ કરે ત્યાંથી મોદી અને શાહ વિચારવાનું શરૂ કરે છે. બાપુ ભાજપનો વિરોધ કરશે અને 2019ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપને હરાવવા માટે કામ કરશે તેવુ ભાજપ વિરોધી માની રહ્યા છે. પરંતુ સુત્રોની જાણાકારી પ્રમાણે બાપુની આ જાહેરાત ભાજપ સાથેની ગોઠવણીનો જ ભાગ છે. ભાજપનો વિરોધ કરવાની  જાહેરાત પાછળ બાપુની બે ગણતરીઓ છે. પહેલા તો બાપુ મહાગઠબંધનને ટેકો આપવાની જાહેરાત કરી બાપુ ભાજપ વિરોધી દળની બાગડોર પોતાના હાથમાં રાખવા માગે છે, આ બાબત મોદી અને શાહને પણ  અનુકુળ છે.

જો મહાગઠબંધનના કર્તાહર્તા બાપુ હોય તો અમિત શાહ ભાજપની સ્થિતિ ખરાબ છે તેવી બેઠકો ઉપર બાપુ પાસે નબળા ઉમેદવાર ઉભા રખાવશે અને સરી જતી બેઠકો પોતાની તરફ કરી લેશે. આ ઉપરાંત બાપુ નરેન્દ્ર મોદી અને ભાજપને જેટલી ગાળો આપશે તેનો સીધો ફાયદો ભાજપને થવાનો છે, કારણ બાપુ ગુજરાતના મતદારો માટે ધૃણાનું પ્રતિક છે. જેના કારણે બાપુને આગળ કરી ભાજપ પોતાનું નુકશાન ઘટાડવા માગે છે અને આખરે બાપુ પોતાની માટે એક સલામત લોકસભાની બેઠક પસંદ કરશે. બાપુ લોકસભાની પોતાની બેઠક જીતે તે માટે ભાજપ પણ પાછલા બારણે બાપુને મદદ કરશે અને બાપુ સંસદમાં પહોંચી જશે.