મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ બુટલેગરો ઘુસાડી રહ્યા છે. ગતરોજ શામળાજી પોલીસને દારુ ઘૂસાડવાના પ્રયત્ન કરનારા બે અલગ અલગ ઘટનાઓમાં સફળતા મળી હતી. શામળાજી પોલીસે અણસોલ નજીકથી વિદેશી દારૂ ભરેલું આખેઆખું કન્ટેનર ઝડપી લઇ ૨૬.૫૨ લાખનો દારૂ ઝડપી લીધો હતો. બીજી બાજુ ધંધાસણ ગામ નજીક દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારનો ફિલ્મીઢબે પીછો કરી કારમાંથી ૯૨ હજારથી વધુનો દારુ ઝડપી લીધો હતો. જોકે આ ઘટનામાં કેટલીક હાસ્યાસ્પદ બાબતો બની હતી. હા પણ કાર ચાલક બુટલેગર અંધારામાં ખોવાઈ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણ અને તેમની ટીમે  અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા ટ્રક કન્ટેનરને અટકાવી કન્ટેનરમાં તપાસ લેતા કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક કન્ટેનરમાંથી વિદેશી દારૂની ૫૦૮ પેટી રૂ.૨૬.૫૨ લાખના દારૂ સાથે ટ્રક કન્ટેનર ચાલક રાજ્સ્થાનના હીરાલાલ સોહનલાલ ગુર્જરને દબોચી લઇ ૩૪.૫૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂ ભરી આપનાર મહેન્દ્રસિંહ રાવત (રહે, રાજસ્થાન) સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

આ તરફ શામળાજી પીએસઆઈ ભગોરા અને તેમની ટીમે ધંધાસણ નજીક પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. તે વખતે શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સ્વીફ્ટ કારને પોલીસે અટકાવવાનો ઈશારો કર્યો. જોકે પોલીસ પકડી લેશે તેવા ભય સાથે કાર ચાલકે કાર પુરપાટ દોડાવી મુકતા પોલીસે સ્વીફ્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. રાત્રીના સુમારે રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આગળ બુટલેગર અને પાછળ પોલીસ, જોકે આ દરમિયાન બન્યું એવું કે કાર ચાલક બુટલેગર રસ્તો ભૂલી ગયો અને તેણે કાર ખેતર તરફ વાળી તો રોડ પુરો અને કાર સીધી ખેતરમાં ઘુસાડી દેતા કાર ખેતરમાં ફસાઈ ગઈ હતી. જોકે અહીં સ્થિતિ એવી બની કે પોલીસ થોડી પાછળ રહી ગઈ હતી, જેનો લાભ લઈ બુટલેગર કાર ખેતરમાં મૂકી ફરાર થઇ ગયો. પોલીસે તેને અંધારામાં શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તે હાથમાં જ આવ્યો નહીં. પોલીસે કારમાંથી 92 હજારથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરી રૂ.૩.૯૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.