મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: બિહાર રાજ્યના કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમીનલ કેસ દાખલ કરવાનું કહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ કાર્યક્રમ માટે તાજેતરમાં ઉત્તર પ્રદેશ જઈ મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને મળી આમંત્રણ આપતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં પરપ્રાંતીયોના મુદ્દે કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં પરપ્રાંતીયો ઉપર થયેલા હુમલામાં શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો હાથ હોવાના સીએમ રૂપાણી ધ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ આગેવાન અને હવે બિહારના પ્રભારી તરીકે જવાબદારી સાંભળી રહેલા શક્તિસિંહ ગોહિલે કોઈ પુરાવા વગર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા આક્ષેપોના કારણે ક્રિમિનલ કેસ દાખલ કરવાનું કહ્યું છે. ગુજરાતમાં પરપ્રાંતીયો ઉપર થયેલા હુમલા અંગે વિજય રૂપાણીએ લખનઉમાં એક નિવેદન આપતા કહ્યું હતુ કે, બિહાર કોંગ્રેસના પ્રભારીએ ષડયંત્ર રચ્યું છે. આ  નિવેદન અંગે શક્તિસિંહ ગોહિલે સીએમ રૂપાણીને બે અઠવાડિયામાં નિવેદન જાહેર કરવાની વાત કરી છે. નહીં તો, શક્તિસિંહ ગોહિલે સીએમ સામે બદનક્ષીનો કેસ કરવાનું કહ્યું છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ક્રિમિનલ અને સિવિલ કેસ દાખલ કરશે. અમદાવાદમાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી શક્તિસિંહ ગોહિલે આ જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોરનું નામ લીધા વગર વિજય રૂપાણીએ લખનઉમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલાઓ અંગે કહ્યું હતું કે, કોંગ્રેસના એક ધારાસભ્યએ હુમલાઓનું કાવતરું રચ્યું હતું. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટિનું અનાવરણ પહેલા કોંગ્રેસ વિઘ્નો ઉભા કરી રહી છે. પરંતુ ગુજરાત સરકારે કોંગ્રેસના ષડયંત્રને તોડી પાડતા હાલ ગુજરાતમાં એકદમ શાંતિ છે. સાથે સાથે રૂપાણીએ એવું પણ જણાવ્યું હતું કે ઉશ્કેરણીજનક ભાષણ આપવા બદલ ગુજરાત સરકાર કોંગ્રેસના ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી ધરશે.