મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહીલ દ્વારા ડેફર્મેશન ક્રિમીનલ કેસ તથા દીવાની વળતરના કેસના સંદર્ભમાં કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી છે. થોડા સમય પહેલા ગુજરાતમાં હિમતનગર અને સુરત ખાતે માસુમ બાળકી પર દુષ્કર્મના બનેલા બનાવ સામે લોકોમાં રોષ ફાટી નીકળતા પરપ્રાંતીયો ઉપર હુમલાના બનાવો બન્યા હતા. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લખનૌમાં જઈ નિવેદન કર્યું હતું કે, બિહારના જ કોંગ્રેસના પ્રભારી જ જવાબદાર છે. સીએમના આ નિવેદન સામે બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલે લીગલ નોટિસમાં જણાવ્યું છે કે, બે અઠવાડિયામાં મારી સામે કરેલુ નિવેદન અસત્ય હોવા સાથે તે અંગે દિલગીરી વ્યકત કરવામાં નહિ આવે તો ફોજદારી અને દીવાની કાર્યવાહી કરવામાં આવશે.

બિહાર કોંગ્રેસના પ્રભારી શકિતસિંહ ગોહિલે કુલ પાંચ પાનાની આપેલી આ કાયદેસરની નોટિસમાં જણાવ્યું છે કે, હકીકતમાં ગુજરાતમાં દેશના અન્ય રાજ્યોના રહેવાસીઓ પર થયેલા હુમલાઓમાં સીએમ અને ભાજપના નેતાઓ સીધા જવાબદાર છે તેવા અનેક પુરાવાઓ ઉપલબ્ધ છે. ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાના વિડિયોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ એક સુનિયોજિત કાવતરું હતું.

પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહની રેલીમાં તહોમતદારની હાજરી ઉપરાંત અન્ય ધારાસભ્યોના ફોટાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું છે કે, ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આ સંપૂર્ણ મુહિમ ચાલી હોવાના પુરાવા બતાવે છે કે ગુજરાતમાં આ સરકાર યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ નીવડી છે.

ગુજરાતમાં આ ઘટના બની ત્યારે પોતે બિહારમાં હતા અને ત્યાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી આ દુખદ ઘટના અંગે વડાપ્રધાનને હસ્તક્ષેપ કરી કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી હોવાનું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું છે કે, ગુજરાત માટે આ શરમજનક મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશમાં જઈ રાજકીય નિવેદન કરવાના બદલે મારા સામે એફઆઈઆર કરી મારી ધરપકડ કરવી જોઈએ. પરંતુ રાજકીય કારણોસર બિહારના કોંગ્રેસના પ્રભારી જવાબદાર હોવાનું જણાવી મારી પ્રતિષ્ઠાનું ખંડન કરવા સાથે સામાજિક-રાજકીય નુકશાન કરવાનો જાણી જોઇને પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ સંગઠન તેમજ ધારસભ્યથી લઇ અનેક રાજકીય-સામાજિક સંસ્થાઓમાં ઉચ્ચ પદ સુધી પોતે જવાબદારીઓ સંભાળી છે. ત્યારે મુખ્યમંત્રીના કોઈપણ આધાર વિનાના આ બેજવાબદાર નિવેદનથી મારી પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને ના પૂરી શકાય તેવું નુકશાન થયું છે. આ નુકશાન કોઈપણ આર્થિક રકમથી ભરપાઈ થઇ શકે તેમ નથી. આથી ક્રિમીનલ કેસ કરવા સાથે નુકશાની વળતર માંગવાનો દાવો અદાલતમાં કરવામાં આવશે. બે અઠવાડિયામાં મારી સામે કરેલા નિવેદન અસત્ય હોવા સાથે તે અંગે દિલગીરી વ્યકત કરવામાં નહીં આવે તો ફોજદારી અને દીવાની કાર્યવાહી કરવાનું શક્તિસિંહે જણાવ્યું છે.