મેરાન્યૂઝ નેટવર્ક, ભોપાલ: મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા મતદાર યાદીમાં મોટો ગડબડ સામે આવી રહી છે. તેના માટે કલેક્ટરોએ ચૂંટણી પંચને એક રિપોર્ટ મોકલ્યો છે જેમાં નકલી મતદારોની સંખ્યા 7 લાખ જણાવાઇ છે. માનવામાં આવી રહ્યું છે કે આ સાત લાખ લોકોમાં 3 લાખ મૃતક છે જ્યારે 4 લાખ લોકો ગુમ છે. સમય રહેતા આ ગડબડ ઠીક નહીં કરવામાં આવે તો બોગસ વોટિંગ દ્વારા ચૂંટણીના પરિણામો બદલાઇ શકે છે. ચૂંટણી પંચે આ મામલે કડક આદેશ કરતા બધા જિલ્લા પાસેથી માહિતી મંગાવી છે. આ રિપોર્ટના આધારે મૃતકો અને ગુમ થયેલા લોકોની સંખ્યા ઘણી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવત 9 અને 10 એપ્રિલના રોજ મધ્ય પ્રદેશના પ્રવાસે આવવાના છે. એવી ચર્ચા છે કે તેઓ 9 એપ્રિલે ઇન્દોર અને 10 એપ્રિલે ભોપાલની મતદાર યાદીમાં રિવિઝનનું કામ જોશે.