મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના પાટનગરને સૌરાષ્ટ્ર સાથે જોડતા સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૪૭ને રૂપિયા ૮૪૭ કરોડના ખર્ચે છ માર્ગીય કરવા આજે શિલાન્યાસ કરવામાં આવ્યું છે. ૪૪.૦૪ર કિલોમીટર લંબાઈ ધરાવતા આ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ચિલોડાથી વૈષ્ણોદેવી મંદિર સુધી હયાત ૪ લેન માર્ગનું છ માર્ગીકરણ કરી સંપૂર્ણ હાઇવેનું છ માર્ગીકરણ કરવા સાથે બન્ને બાજુ ૭ મિટર પહોળો સર્વિસ રોડ બનાવવમાં આવશે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ૭ ફલાય ઓવર, ૧ એલિવેટેડ કોરિડોર, ૧ વેહિકયુલર અન્ડર પાસ, ર રેલ્વે ઓવરબ્રિજ તેમજ ર પેડેસ્ટ્રીયન અન્ડરપાસ હશે.

ગાંધીનગરને રાજકોટ સાથે જોડતા સરખેજ-ગાંધીનગર-ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગને રૂપિયા ૮૪૭ કરોડના ખર્ચે છ માર્ગીય કરવામાં આવશે. આજે તેનો શિલાન્યાસ કરતા અમદાવાદ-ગાંધીનગર લિંક સીટી તરીકે જોડાયેલા હોવાથી આ માર્ગ ઉપર ટોલ ટેક્ષ ન લેવામાં આવે તેવી રાજ્ય સરકારની વિનંતીને માન્ય રાખી કેન્દ્ર સરકારે ટોલ ટેક્ષ ફ્રી રોડની મંજૂરી આપી છે.

તેના બદલામાં રાજ્ય સરકાર ટોલની આવક જેટલી રકમ ચૂકવશે. સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત-દક્ષિણ ગુજરાતને જોડતા અમદાવાદ- બામણબોર- રાજકોટ ઘોરીમાર્ગના છ માર્ગીકરણનું કામ
રૂપિયા ર૭૦૦ કરોડના ખર્ચે રાજ્ય સરકારે હાથ ધર્યું છે. તેના કારણે સમગ્રતયા રાજકોટથી સરખેજ અને ગાંધીનગર-ચિલોડા સુધીનો માર્ગ છ માર્ગીય બની જશે. આ નવા માર્ગ ઉપર ચિલોડા, ઇન્દ્રોડા સર્કલ, સરગાસણ સર્કલ, સોલા, પકવાન સર્કલ અને સરખેજ સર્કલ ઉપર ફલાય ઓવર બનાવવામાં આવશે.

આ ઉપરાંત મિડીયમ/ડીવાઇડર આર.ઓ.ડબલ્યુ અને રોડસાઇટની વધારાની જગ્યામાં લેન્ડ સ્કેપિંગ-બ્યુટીફિકેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ટ્રાફિક સંબંધિત જરૂરી સુચનાઓના નિર્દેશન માટે વેરીએબલ મેસેજ સાઇન (VMS) આધારિત અત્યાધુનિક ટ્રાફિક મેનેજમેન્ટ, નોઇસ બેરિયરનું પણ આયોજન કરાશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં માર્ગોને વિકાસની ધોરી નસ ગણાવતાં કહ્યું કે, માર્ગ સુવિધાના ઇન્ફ્રાસ્ટ્રકચર સહિત શિક્ષણ, આરોગ્ય, સર્વિસ સેકટર તમામ ક્ષેત્રોમાં સુવિધાઓ વિકસાવીને ગુજરાતને વિકાસના વૈશ્વિક બેન્ચમાર્ક સર કરાવ્યા છે. ત્યારે આ છ માર્ગીકરણનો મહત્વાકાંક્ષી પ્રકલ્પ પૂર્ણ થતાં ટ્રાફિક જામની સમસ્યા નહીં રહે.

આ ઉપરાંત ફલાય ઓવર અને રેલ્વે ઓવરબ્રીજ બનતાં ગુજરાત ફાટક મુકત રાજ્ય બનશે તેવો નિર્ધાર તેમણે દર્શાવ્યો હતો. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, માર્ગ વિકાસ અને વિસ્તૃતિકરણ એ રાજ્યના વિકાસનું એક પ્રેરક પાસું છે. રાજ્યમાં માર્ગોની સુવિધા વધારીને લોકોના નાણાં-સમય બચાવવાનો ધ્યેય છે. આ સમારંભમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માર્ગ-મકાનના મુખ્ય ઇજનેર અને અધિક સચિવ પટેલિયાએ આભાર વિધિ કરી હતી.