મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી:  ‘સૌનો સાથ સૌના વિકાસ’ સાથે પારદર્શક વહિવટની વાત કરતા ભાજપમાં રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અંગે પારદર્શિતા નહીં જળવાતા ભાજપ અને આરએસએસના વરિષ્ઠ નેતાઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓના માનવા પ્રમાણે આ બાબત તે વાતનું પ્રમાણ છે કે, મોદી-શાહની જોડી કેવી રીતે પક્ષની આંતરિક લોકશાહી તેમજ તેનાથી જોડાયેલી પરંપરાઓને ખલાસ કરી રહી છે.

કરોડો રૂપિયાનું દાન મેળવતી ભારતીય જનતા પાર્ટી ધ્વારા ચૂંટણી પંચ અથવા જનતાને પોતાના કોષાધ્યક્ષનું નામ નહીં બતાવવા પર ભાજપ પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ નેતાઓએ નારાજગી દર્શાવી છે. જેમાં પક્ષ દ્વારા ચૂંટણી પંચમાં જમા કરાવેલા રીટર્ન પર પક્ષના જ કોષાધ્યક્ષની સહી નહોતી. ચૂંટણી પંચના દિશાનિર્દેશો પ્રમાણે એક રાજકીય પાર્ટીએ પોતાના કોષાધ્યક્ષ અથવા જે વ્યક્તિ અધિકારની રૂએ પક્ષનું એકાઉન્ટ સંભાળતા હોય તેમનું નામ બતાવવાનું જરૂરી હોય છે. ચૂંટણી અધિકારી એસ.વાય.કુરેશીએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. પરંતુ ૨૦૧૬-૧૭ના વર્ષ માટે ભાજપ ધ્વારા ચૂંટણી પંચમાં જમા કરાવેલા રીટર્ન પર પાર્ટીના કોશાધ્યક્ષની જગ્યાએ કોઈ અનામી વ્યક્તિની અસ્પષ્ટ સહી કરવામાં આવેલી છે. જે દેખવામાં કોષાધ્યક્ષના બદલે લખેલું જણાય છે. જેમાં પક્ષના બીજા કોઈ અન્ય દસ્તાવેજ અથવા નિવેદનમાં પણ ક્યાય પાર્ટીના કોષાધ્યક્ષનું નામ લખેલું જોવા મળતું નથી.

પાર્ટીના એક વરિષ્ઠ નેતા કે જે કેબિનેટમાં હોવા સાથે સંઘ સાથે નજીકથી સંકળાયેલા છે તેમણે નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું છે કે, પક્ષમાં આ પહેલા આવું ક્યારેય થયું નથી. અત્યાર સુધી દરેક જગ્યાએ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પાર્ટીમાં કોષાધ્યક્ષનું પદ બહુ જ મહત્વનું છે અને પાર્ટીએ આ અગાઉ ક્યારેય આ પદની આ રીતે અવગણના કરી નથી. વરિષ્ઠ નેતાઓના જણાવ્યા પ્રમાણે આર્થિક બાબતોમાં પારદર્શીકતા માટે જરૂરી એવા આટલા મહત્વપૂર્ણ પાસા માટે ભાજપનો બેજવાબદાર અભિગમ પક્ષની બાબતોમાં મોદી-શાહની જોડી તેમજ તેમની આસપાસ મુઠ્ઠીભર લોકોની આજુબાજુ કેન્દ્રિત થયો હોવાનું દેખાય છે. પાર્ટીની નેતાગીરીનો એક એવો વર્ગ પણ છે કે, જે સત્તાના આ કેન્દ્રીયકરણથી ક્ષુબ્ધ છે. કારણ કે,જ્યાં પીએમઓ મંત્રીયોને બતાવતું હોય કે, કોણે અંગત સ્ટાફ અથવા પટાવાળા રાખવાનો છે ત્યાં આ સ્થિતિ છે.       

ભાજપના અન્ય એક નેતાએ જણાવ્યું છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણીના માત્ર એકાદ વર્ષ પહેલા જ નાણાકીય પારદર્શકતાનો પ્રશ્ન ખુબ જ મહત્વ ધરાવે છે. જેમાં લોકો દ્વારા પક્ષના ખજાનચી માટે પ્રશ્ન ઉઠાવવો બિલકુલ વ્યાજબી છે. ૨૦૧૪ સુધી ભાજપના છેલ્લા કોષાધ્યક્ષ પીયુષ ગોયેલ હતા. પરંતુ અત્યારે પીયુષ ગોયેલ કેન્દ્રીય મંત્રી બન્યા પછી આ હોદ્દા ઉપર કોની નિમણુક કરવામાં આવી છે તેનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે આ બાબતે હજુ સુધી પક્ષ દ્વારા ચુપકીદી  સાધવામાં આવેલી છે. આ બાબત જાહેર થયા પછી પત્રકારોએ ભાજપના પ્રવક્તા પાસે સ્પષ્ટીકરણ માંગવા છતાં કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જ્યાં એકતરફ ભાજપની નેતાગીરીને એ વાતનો ડર છે કે, ક્યાંક આ બાબત ટીવીમાં પ્રાઈમ ટાઇમનો મુદ્દો ના બની જાય. તો સંઘ પરીવારના એક સદસ્યનું માનવું છે કે, દરેક સમસ્યાનું યોગ્ય સમાધાન નીકળે તે જરૂરી છે. જયારે પક્ષના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, મોદી-શાહ યુગમાં પાર્ટીના આંતરિક લોકશાહીથી જોડાયેલી ઘણી બધી જૂની પરંપરાઓ ખલાસ થઇ ગઈ છે. જેમાં આ મુદ્દો ઝડપથી ખત્મ પણ થવાનો નથી.

આર્ટિકલ thewire માંથી સાભાર લેવામાં આવ્યો છે અને તેના લેખક સ્વાતિ ચતુર્વેદી છે. આ લેખમાં રજૂ કરાયેલ મંતવ્ય લેખિકાના અંગત મત છે.