પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): સામાન્ય રીત આપણે ત્યાં કોઈ કિશોરમાંથી યુવાની તરફ આગળ વધે છતાં તેના કૃત્ય નાના બાળક જેવા હોય ત્યારે આપણે તેને કહીએ છીએ તુ ક્યારે મોટો થઈશ? તને ક્યારે બુધ્ધી આવશે? આવુ આપણે વીસી વટાવી ગયેલા યુવકોને કહેતા હોઈએ છીએ. પરંતુ ગુજરાત કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ તો સાંઈઠી પાર કરી ગયા છે અથવા પાર કરવા આવ્યા છે. છતાં તેઓ હજી અઢારના જ હોય તેવો નાદાન વ્યવહાર કરે છે, તેઓ મોટા થવાનું નામ જ લેતા નથી. આમ જોવા જઈતો ગુજરાતમાં 1990થી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા. આટલા વર્ષથી સત્તાની બહાર રહ્યા પછી પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ હજી સરકારી કારમાં ફરતા હોય તેવો જ તેમનો તૌર છે.

સત્તાની બહાર આટલા વર્ષો રહ્યા પછી પણ તેઓ સબળ વિરોધ પક્ષ થઈ શક્યા નથી. ગાંધીનગરમાં એક હજાર માણસ ભેગુ કરવુ હોય તો કોંગ્રેસને નાકે દમ આવી જાય છે. પ્રજાના પ્રશ્નો માટે રસ્તા ઉપર ઉતરી જવાને બદલે જેમ સ્કૂલમાં ભણતા બાળકો ફરિયાદ કરવા મમ્મી પાસે દોડી જાય તેમ કોંગ્રેસના નેતાઓ પોતાની રાજકિય માતાના વારસ રાહુલને ફરિયાદ કરવા દિલ્હી દોડી જાય છે. જેમની પ્રજા વચ્ચે જવાની હેસીયત નથી અથવા જેમની પાસે પ્રજા તેમની સાથે છે તેવો અહેસાસ નથી તેવા જ નેતાઓથી ૪કોંગ્રેસ ભરેલી છે. સમય બદલાઈ રહ્યો છે પણ કોંગ્રેસ સમય સાથે બદલાવાનું નામ લેતી નથી. માણસ પચાસનો થાય એટલે તે નિવૃત્તી તરફ જઈ રહ્યો છે તેવુ કહેવાય પણ કોંગ્રેસમાં તો પચાસ વર્ષની ઉંમરે યુવા કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવે છે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓનું ભાજપના નેતાઓ જાહેર નિવેદનમાં અપમાન કરી રહ્યા છે પણ નાક કટ્ટા નેતાઓને તે અપમાન પણ લાગતુ નથી. કોંગ્રેસના નેતાઓ બતાવી દેવાનો જુસ્સો જ નથી. મોટા ભાગના કોંગ્રેસી નેતાઓ રાજકિય નપુસંકતાની બીમારી પીડાય છે, તેમણે મનમાં ધારી લીધુ છે કે નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી ભાજપને હરાવી શકાય તેમ નથી અથવા પ્રજા જ્યારે ભાજપથી થાકી જશે ત્યારે કોંગ્રેસને સત્તા મળશે તેવુ તેમણે સ્વીકારી લીધુ છે. જેના કારણે ભાજપ સામે લડવાની માનસિકતા જ  ગુમાવી દીધી છે અને તેઓ પોતાના માણસો સામે લડી  રહ્યા છે. જેઓ અત્યારે કોંગ્રેસના પદાધિકારીઓ છે, તેઓ કોંગ્રેસમાં સિનિયર હોવાને કારણે પદ ઉપર છે કારણ તેમના વાળ કોંગ્રેસમાં જ સફેદ થયા છે અથવા દિલ્હીમાં બેઠેલા અહેમદ પટેલ સાથે તેમના સંબંધ છે તેના કારણે તેઓ ગુજરાતમાં પદ મેળવી શક્યા છે અથવા તેમના પિતા અથવા દાદાએ ઈન્દીરા કોંગ્રેસ વખતે ઘણુ કર્યુ હતું જેના ઈનામ રૂપે તેમને કોંગ્રેસ પદ આપ્યુ છે. આમ સાવ નબળા લોકો અત્યારે કોંગ્રેસમાં પદ લઈ બેઠા  છે.

અમદાવાદમાં પાલડીમાં આવેલુ રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન જ્યાં પ્રદેશ સમિતિની ઓફિસ આવેલી છે. આ કોંગ્રેસની પ્રદેશની કોંગ્રેસ સમિતિ છે કે ભારત સરકારની કોઈ કચેરી તેની ખબર જ પડતી નથી. સવારના 10 થી6 ના ટકોરે ઓફિસ ખુલ્લે અને બંધ થાય છે. શનિ-રવિની રજા સહિત ભારત સરકારની તમામ રજાઓનો અહિંયા ચુસ્ત અમલ થાય છે. રાતના આઠ વાગ્યે માની લો કે ગુજરાતના કોઈ ગામડાનો કાર્યકર કોઈ મદદ માંગવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ઓફિસે આવે તો ખંભાતી તાળુ જોવા મળે. જેની સામે ભાજપનું પ્રદેશ કાર્યાલય કમલમ 365 દિવસ 24 કલાક ખુલ્લુ રહેતુ હોય છે, તેના કાર્યકરને તેને તાળુ મારવુ હોય તો કદાચ તાળુ ખરીદવા બજારમાં જવુ પડે તેવી સ્થિતિ છે. આમ ગુજરાત કોંગ્રેસ કામચોરોથી ભરેલી છે.

હાલમાં કોંગ્રેસમાં જે નવી પેઢી આવી છે તે હોશીયાર અને ઉત્સાહી છે પણ તેમની હોશીયારી તેઓ કોંગ્રેસ અથવા પ્રજા માટે ઉપયોગ કરવાને બદલે ઘર ભરવા માટે લગાવી રહ્યા છે. તેમને પણ તેવુ છે કે કોંગ્રેસને સત્તા મળવાની નથી. તેથી ભાજપ અને કોંગ્રેસનું નાક દબાવી જે કંઈ મળે તે લુંટી લેવાની પેરવીમાં જ તેઓ હોય છે. અમને અન્યાય થઈ રહ્યો છે તેવી બુમો પાડી તેઓ બંને તરફ સેટીંગ કરી રહ્યા છે. કોંગ્રેસને એક જાહેર કાર્યક્રમ કરવો હોય તો કોંગ્રેસના નેતાઓ પ્રદેશ સમિતિ ક્યારે કાર્યક્રમ માટે પૈસા આપશે તેની રાહ જોઈ બેસી રહે છે. કોંગ્રેસી નેતાનો હાથ ક્યારેય પોતાના ખીસ્સામાં જતો નથી. જેમની પાસે પ્રદેશની તિજોરીની ચાવી છે. તેમણે બે -ત્રણ ડુપ્લીકેટ ચાવીઓ પણ રાખી છે. જેના કારણે પ્રદેશની તીજોરી કરતા પોતાની અંગત તીજોરીમાં વધુ નાણા સરકી જાય છે. આમ સત્તામાં ના હોયએ તો પણ કેવી તે રીતે ભ્રષ્ટાચાર કરી શકાય તેના ક્લાસ ભાજપના નેતાઓએ કોંગ્રેસ પાસેથી શીખવા પડશે.

મધ્યપ્રદેશ-રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસને સત્તાઓ મળી તેના કારણે ગુજરાતના મુર્ખ કોંગ્રેસીએ ગેલમાં આવી ગયા છે પણ તેમની સ્થિતિ લાલચુ શિયાળ જેવી છે, પોતાની લાયકાતને કારણે નહીં પણ કાગડાની મોંઢામાંથી પુરી પડે તો પોતાને મળે તેવી લાલચમાં તેઓ ગુજરાતમાં સત્તા મળશે તેવી આશા રાખી રહ્યા છે. જો ખરેખર ગુજરાત કોંગ્રેસમાં કૌવત હોત તો મધ્યપ્રદેશ-રાજસ્થાનના પરિણામ બાદ તરત જશદણની ચૂંટણી આવી હતી પણ તેમાં ધોએલા મુળા જેવા બહાર નિકળ્યા. કોંગ્રેસ ચૂંટણી જીતે તો પોતાની તાકાત સમજે છે અને ચૂંટણી હારે તો દોષ બધો ભાજપ અને EVMને આપે છે. મને લાગે કે ગુજરાતની પ્રજા  કોંગ્રેસની આવી મુર્ખ-નબળી અને કામચોર નેતાગીરીને સત્તા સોંપવાના મુડમાં નથી. ભલે નરેન્દ્ર મોદી નોટબંધી કરે, પેટ્રોલના ભાવ વધારે, જીએસટી લાવે, રામ મંદિર ભલે ના બનાવે, હજી આકરા કરવેરા નાખે છતાં પ્રજાને નરેન્દ્ર મોદીને ચલાવી સિવાય કોઈ વિકલ્પ નથી તેવુ મને લાગે છે કારણ કે રાજકિય લકવાગ્રસ્ત કોંગ્રેસીઓ કરતા નરેન્દ્ર મોદી રૂપાળા તો દેખાય છે.