મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ જમ્મુ કશ્મીરના તંત્રએ ૧૮ ભાગલાવાદીઓ અને ૧૫૫ નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય બુધવારે કરવામાં આવ્યો હતો. અંદાજીત ૧૦૦૦થી વધુ જવાનો અને ૧૦૦ જેટલી પોલીસ કાર તેમની રૂટિન ડ્યૂટી માટે વપરાતી હતી જે હવે ફ્રી થઈ ગઈ છે. સિવિલ સર્વિસના ૨૦૧૦ના ટોપર અને તાજેતરમાં જ આઈએએસની નોકરી છોડી શાહ ફૈઝલનું નામ પણ આ લીસ્ટમાં શામેલ છે.

રાજ્યના મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમની અધ્યક્ષતામાં સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કહેવાયું છે કે, ભાગલાવાદી નેતાઓને આપવામાં આવેલી સુરક્ષા એ સંશાધનોની બરબાદી છે. આ લીસ્ટમાં ઘણા મોટા નેતાઓ છે જેમ કે, એસએએસ ગિલાની, આગા સૈયલ મૌલવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલિમ ગિલાની વગેરે નામો પણ તેમાં શામેલ છે. આ અગાઉ રવિવારે પણ ૬ ભાગલાવાદી નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામાં આવી હતી.

પાકિસ્તાનને એકલાં પાડવાની નીતિને અંર્તગત ભારતે આર્થિક રીતે તેની કમર તોડવાનું શરૂ કર્યું છે. હુમલા પછી ભારતે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો અને ત્યાંથી આવતા સામાન પર ડ્યૂટી 200 ટકા સુધી વધારી દીધી હતી. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે વાઘા બોર્ડર પર સામાનથી ભરેલી ટ્રકો અટકેલી છે. પાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પુલવામા હુમલા પછી ભારતનો પ્રયત્ન પાકિસ્તાનને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો છે.

પાકિસ્તાનની એક ચેનલના રિપોર્ટ પ્રમાણે, 14 ફેબ્રુઆરી પુલાવામા હુમલા પહેલાં ટ્રક દ્વારા અબજો રૂપિયાની ખારેક વાઘા બોર્ડરથી ભારતમાં એક્સપોર્ટ થવાની હતી. જોકે હવે વાઘા બોર્ડર પર ખારેકથી ભરેલી કેટલીય ટ્રક અટકેલી પડી છે. તેમને ભારતમાં પ્રવેશ મળતો નથી. આ એક ટ્રકમાં અંદાજે રૂ. 15 લાખનો સામાન ભરેલો છે. 200 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દેવામાં આવી હોવાથી રૂ. 15 લાખના સામાન પર રૂ. 30 લાખ ડ્યૂટી લગાવી દેવામાં આવી છે. ત્યારપછી લાહોરથી આવેલી ઘણી ટ્રકો બોર્ડર પર પહોંચતા પહેલાં જ પરત ફરી ગઈ છે. પાકિસ્તાનમાં ખારેકના બજારમાં વેપાર બંધ થઈ ચૂક્યો છે. છેલ્લાં પાંચ દિવસોમાં પાકિસ્તાન સરકાર અને ત્યાંના વેપારીઓને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.