મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી વી આર શાહ ટ્રસ્ટ સંચાલિત મેમરી આદર્શ સ્કૂલની માન્યતા રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળા દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક સામે અરજી કરી પોતાની શાળાની માન્યતા પુનઃજીવિત કરવા માગણી કરવામાં આવી હતી. જે માગણી શિક્ષણ નિયામકે ફગાવી દીધી છે. આમ હવે આ શાળામાં કોઈ પ્રવેશ લઈ શકે નહીં, આમ છતાં જો કોઈ વાલી પોતાના બાળકનો પ્રવેશ મેળવે તો તેમનું ભવિષ્ય જોખમાય તેમ છે.

પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સમક્ષ વી આર શાહ ટ્રસ્ટ દ્વારા પોતાની શાળાની માન્યતા પુનઃજીવિત કરવાની અરજી કરવામાં આવી હતી. શિક્ષણ નિયામક દ્વારા શાળાના દસ્તાવેજ તપાસતા શાળા દ્વારા વર્ષ 2016માં શિક્ષણ વિભાગને જાણ કરાઈ હતી કે, વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ હોવાને કારણે તેઓ 1થી 7 ધોરણના વર્ગો બંધ કરે છે અને ત્યાર પછીના વર્ગો ક્રમશઃ બંધ કરી દેશે. 

જોકે વી આર શાહ ટ્રસ્ટ દ્વારા ચાલુ વર્ષે ધોરણ 8નો વર્ગ બંધ કરવાને બદલે શિક્ષણ નિયામક સામે અરજી કરી તમામ વર્ગોની માન્યતા પુનઃજીવિત કરવાની માગણી કરવામાં આવી હતી. શિક્ષણ નિયામકે શાળા દ્વારા કરવામાં આવેલા અગાઉના સોગંદનામા અને શિક્ષણ વિભાગના નિયમોને ધ્યાનમાં લઈ જુન 20થી શાળાની માન્યતા રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.