મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ઉદ્યોગપતિ પરેશ પટેલ છેતરપીંડી પ્રકરણના કૌભાંડી નીતિન પટેલનો જેલવાસ લાંબો ચાલે તેવી શક્યતાઓ છે. નીતિન પટેલના પોલીસ રિમાન્ડ પુરા થયા બાદ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે જેલમાં ગયા બાદ બે વખત પોતાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે બંને વખત તેની અરજી ફગાવી દીધી છે. હવે આ કૌભાંડી નીતિન પટેલને જામીન મેળવવા માટે હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડશે.

ઈન્ફોસીટીમાં રહેતો કૌભાંડી નીતિન પટેલ પહેલી વખત પોલીસના ઝપટે ચઢ્યો છે. અમદાવાદના ઉદ્યોગપતિ પરેશ પટેલ સાથે રૂ.5 કરોડની છેતરપીંડી કરવાનું તેને ભારે પડી રહ્યું છે. નીતિન પટેલની  21મીએ ગુરુવારે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. નીતિન પટેલે ઉદ્યોગપતિ પરેશ પટેલને તેનું ઈન્ફોસીટીમાં આવેલો બંગલો અને ઓફીસો વેચવાની છે તેમ કહીને તેમની પાસેથી પાંચ કરોડની છેતરપીંડી કરી હતી. જે બનાવ અંગે તેના અને તેના પત્ની અલ્કા પટેલ વિરુદ્ધમાં ગત એપ્રિલ મહિનામાં ગુનો નોંધાયો હતો. પરંતુ ધરપકડથી બચવા માટે ઉદ્યોગપતિ પરેશ પટેલની કંપનીના બનાવટી દસ્તાવેજો ઊભા કરીને ગાંધીનગર કોર્ટમાંથી નીતિન પટેલ અને તેની પત્ની અલ્કા પટેલે આગોતરા જામીન મેળવી લીધા હતા. ખોટા પુરાવા ઊભા કરવા બદલ નીતિન પટેલ સામે બીજો ગુનો નોંધાયો હતો. જેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

કૌભાંડી નીતિન છેલ્લા દસ દિવસથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલવાસ ભોગવી રહ્યો છે. જેલમાં ગયા બાદ તેણે નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી અને બાદમાં સેશન્સ કોર્ટમાં ફરી જામીન અરજી કરી હતી જે પણ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. નીતિન પટેલની ધરપકડ બાદ તેની પત્ની અલ્કા પટેલ અને પુત્ર ફરાર થઈ ગયા છે. આ બનાવની તપાસ કરતી એલસીબી (ક્રાઈમ બ્રાન્ચ) નીતિન પટેલની પત્ની અલ્કા પટેલની પણ શોધખોળ કરી રહી છે. તેની પણ ધરપકડ કરવામાં આવશે.