મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ઉદ્યોગપતિ પરેશ પટેલ છેતરપીંડી પ્રકરણના કૌભાંડી નીતિન પટેલને મોડી રાત્રે યુએન મહેતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવતા એલસીબી પોલીસે તેની કસ્ટડી લઈ લીધી હતી અને વહેલી સવારે કોર્ટમાં રજુ કરી આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૌભાંડી નીતિન પટેલે કોર્ટ સમક્ષ આગોતરા જામીન મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજુ કર્યા હતા જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી છે.

ઈન્ફોસીટીમાં રહેતા નીતિન પટેલની ગુરુવારે બપોરે ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. નીતિન પટેલે ઉદ્યોગપતિ પરેશ પટેલને તેનું ઈન્ફોસીટીમાં આવેલો બંગલો અને ઓફીસો વેચવાની છે તેમ કહીને તેમની પાસેથી પાંચ કરોડની છેતરપીંડી કરી હતી. જે બનાવ અંગે તેના અને તેના પત્ની અલ્કા પટેલ વિરુદ્ધમાં ગત એપ્રિલ મહિનામાં ગુનો નોંધાયો હતો. પરંતુ ધરપકડથી બચવા માટે ઉદ્યોગપતિ પરેશ પટેલની કંપનીના બનાવટી દસ્તાવેજો ઊભા કરીને ગાંધીનગર કોર્ટમાંથી નીતિન પટેલ અને તેની પત્ની અલ્કા પટેલે આગોતરા જામીન મેળવી લીધા હતા. ખોટા પુરાવા ઊભા કરવા બદલ નીતિન પટેલ સામે બીજો ગુનો નોંધાયો હતો. જેમાં તેની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે પોલીસ તેના રિમાન્ડ માગે તે પહેલા તેણે બ્લડપ્રેશર વધી ગયાનું કારણ આપી તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેને મોડી સાંજે અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મધરાત્રે 1 વાગે તેને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો હતો.

નીતિન પટેલ પોલીસ સાથે રમત રમવા ગયો હતો પરંતુ પોલીસની ગેરકાયદેસર કસ્ટડી ઊભી કરવા માટે તેણે મધરાત્રે યુએન મહેતામાંથી ડીસ્ચાર્જ થઈ ગયો હતો પરંતુ પોલીસે વહેલી સવારે જ તેને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવ્યા હતા.