મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીઓમાં જીત બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના રાજ્યસભા સાંસદ પદેથી રાજીનામું આપ્યું હતું. જ્યાર બાદ ચૂંટણી પંચે આ બંને સીટ પર અલગ-અલગ મતદાન કરવાનું નોટિફેકેશન જાહેર કર્યું હતું. જેની સામે કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરાઇ હતી. જો કે આ બંને બેઠકો પર 'પેટાચૂંટણી' યોજાવાની હોવાને કારણે અલગ-અલગ મતદાન થઇ શકે તેવા ચૂંટણીપંચના નોટિફિકેશનને સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યું છે.  આમ બંને બેઠકો પર અલગ અલગ રીતે આગામી 5 જુલાઇના રોજ ગુજરાત વિધાનસભામાં મતદાન યોજાશે.

સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઇ ગયા બાદ અમે દખલ ન કરી શકીએ. જો તમારે આ મુદ્દાને પડકરવો હોય તો ચૂંટણી બાદ સુપ્રિમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ તરફ એસ. જયશંકર અને જુગલજી ઠાકોર તથા કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ડૉ. ચંદ્રિકાબેન ચુડાસમા ઉમેદવાર છે. હાલ વિધાનસભામાં ભાજપના 100 અને કોંગ્રેસના 77 ધારાસભ્યો છે.