મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: ગુજરાત વિધાનસભાની વર્ષ ૨૦૧૭ના અંતમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માત્ર ૧૫૦ મતથી જીતેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોસ્ટલ બેલેટમાં ગરબડ કરી જીત્યા હોવાની તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે અરજી કરી હતી. આ પીટીશન રદ કરવાની ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી અરજી અગાઉ ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કર્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી ફગાવી દીધી છે.
      
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ગત ડિસેમ્બર-૨૦૧૭માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ધોળકા બેઠક પર ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર ૧૫૦ મતથી વિજયી બની રાજ્યના શિક્ષણ મંત્રી પદે છે. આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ થઇ હોવાથી આ ચૂંટણી રદ કરવા અંગે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ગુજરાત હાઇકોર્ટમાં એક પીટીશન કરી હતી. કોંગ્રેસના પરાજિત ઉમેદવારે કરેલી આ પીટીશન રદ કરવા માટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અરજી કરી હતી. તેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
      
ધોળકા બેઠકની આ ચૂટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ગુજરાત હાઇકોર્ટમાં કરેલી પીટીશનમાં દાદ માંગવામાં આવી છે કે, ઈવીએમમાં થયેલી મત ગણતરીમાં પોતે જીતી રહ્યા હતા. પરંતુ ભાજપના ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જીતેલા જાહેર કરવા માટે પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ કરવામાં આવી હતી. તેની સામે ભુપેન્દ્રસિંહે ગુજરાત હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ધ્વારા પરિણામ જાહેર થઇ ગયા બાદ કોર્ટે દરમિયાનગીરી કરવી જોઈએ નહિ. જેમાં સુનાવણી પૂર્ણ થતા ગુજરાત હાઇકોર્ટ ધ્વારા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં ગયેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાને આજે ઝટકો લાગ્યો હતો. જેમાં ભુપેન્દ્રસિંહની અરજી સુપ્રીમ કોર્ટે ધ્વારા ફગાવી દેવામાં આવી છે. પરિણામે હવે ધોળકા બેઠકની ચૂંટણી કેમ રદ કરવી નહિ તે મામલે ગુજરાત હાઇકોર્ટમાં અશ્વિન રાઠોડની અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે.