મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કેન્દ્ર અને મમતા બેનર્જી આમને સામને આવી ગયા જેવો ઘાટ સર્જાયો છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન) કોલકત્તાના પોલીસ કમિશનર પર કાર્યવાહી કરવા રાજ્યમાં આવે છે ત્યારે પોલીસ અધિકારીઓની ધરપકડ કરે છે અને એક હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાય છે. જેને પગલે મંગળવારે આ હોબાળાને લઈને સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આદેશ કર્યો કે, કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઈ સામે હાજર થવું જોઈએ અને તેમને તપાસમાં સહયોગ આપવો જોઈએ. જોકે સીબીઆઈ આ દરમિયાન રાજીવ કુમારની ધરપકડ નહીં કરી શકે. પશ્ચિમ બંગાળની સરકાર તરફ અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે, સીબીઆઈ રાજીવ કુમારની ધરપકડ કરવા માગે છે, જેની પર સીજેઆઈએ કહ્યું તમે બહુ ઝડપી કલ્પનાઓ કરો છો.

એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. સીબીઆઈએ પુરાવા એકત્ર કર્યા. 2014થી 2017ની પુરાવા એકત્ર કર્યા બાદ અમે ધરપકડ કરવા આગળ વધ્યા. અમે એસઆઈટીને સમન્સ મોકલ્યા કારણ કે અમને આપવામાં આવેલા પુરાવા પૂરા નહોતા કે તેની સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. કોઈ જવાબ ન આપ્યો. અમે પશ્ચિમ બંગાળના ડીજીપીને કહ્યું કે તેઓ તપાસમાં મદદ કરે. રાજીવ કુમાર એસઆઈટીના હેડ હતા. અમે ડીજીપીથી ડિટેલ્સ માંગી કારણ કે એસઆઈટીથી મળેલા ડોક્યુમેન્ટ્સ પર અમને સંદેહ હતો.

આ દરમિયાન નાણા મંત્રી અરુણ જેટલીએ કોલકાતામાં ચાલી રહેલા હોબાળા પર ફેસબુક પોસ્ટ કરી છે. તેઓએ લખ્યું કે, મુખ્યમંત્રીના આ પ્રકારના વર્તનનો હેતું શું છે? પોતાના ઘરણામાં સામેલ થવા માટે બીજા નેતાઓને નિમંત્રણ આપવા પાછળ રણનીતિ શું છે? અમે એવું સમજી રહ્યા છીએ કે તેઓએ આ બધું માત્ર એટલા માટે કર્યું કે એક પોલીસવાળાની વિરુદ્ધ તપાસ થઈ રહી છે તો આપણે ભૂલ કરી રહ્યા છીએ. તેની પાછળ તેમનો ઉદ્દેશ્ય પોતાને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે રજૂ કરવામાં છે.

સુનાવણી દરમિયાન એટોર્ની જનરલે ડીજીપી, મુખ્ય સચિવ અને રાજીવ કુમારની વિરુદ્ધ કોર્ટના અનાદરની કાર્યવાહી કરવાની માંગ કરી. તેની પર તેમને રોકતા સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું- મને નથી લાગતું કે પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પાસે તપાસમાં સહયોગ ન કરવાનું કોઈ કારણ હોવું જોઈએ. કોર્ટના અનાદરને લઈને આપણે બાદમાં વિચાર કરીશું.