મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભારતની સૌથી મોટી બેંકિંગ સેવા બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) દ્વારા નોટબંધી દરમિયાન તેમના ૭૦ હજાર કર્મચારીઓને ઓવરટાઇમ કરવા માટે અપાયેલી રકમ હવે પછી આપવા કહેવામાં આવ્યું છે. આ તમામ કર્મચારીઓ એસબીઆઈમાં વિલીનીકરણ થયેલી પાંચ બેંકોના છે. જેમાં એસબીઆઈ દ્વારા એવો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, જ્યારે ઓવરટાઇમ પેમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે આ પાંચ બેન્કોનું એસબીઆઈમાં વિલીનીકરણ થયું નહતું.

મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે એસબીઆઈએ તેના આંતરિક સર્ક્યુલરમાં કહ્યું છે કે, આ તેવા કર્મચારીઓ માટે ઓવરટાઇમ પેમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે નોટબંધી દરમિયાન એસબીઆઈની શાખાઓમાં નોકરી કરતા હતા. જેમાં સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ બિકાનેર અને જયપુરને ૧ અપ્રિલ,૨૦૧૭ના રોજ એસબીઆઈમાં મર્જ કરવામાં આવી હતી.

જ્યારે નોટબંધીની જાહેરાત ૮ નવેમ્બર,૨૦૧૬માં કરવામાં આવી હતી. એસબીઆઈ દ્વારા ૧૪ નવેમ્બરથી ૩૦ ડીસેમ્બર,૨૦૧૬ સુધીના સમયગાળામાં સાંજે ૭ વાગ્યા પછી પણ કામ કરનાર બેંકના કર્મચારીઓને તેમના હોદ્દા-જગ્યા પ્રમાણે માર્ચથી મે ૨૦૧૭ની વચ્ચે ઓવરટાઇમ પેમેન્ટની ચુકવણી કરવામાં આવી હતી. હવે જ્યારે એસબીઆઈ સાથે જોડાણ પહેલાની પાંચ બેંકોના કર્મચારીઓને આ પૈસા પાછા આપવાનું કહેવામાં આવતા તેમણે નારાજગી વ્યકત કરી છે.

આ કર્મચારીઓનું કહેવું છે કે, આ ઓવરટાઇમ વળતર આપ્યે ઘણો લાંબો સમય થઇ ગયો છે. જેમાં એક કર્મચારીએ કહ્યું છે કે, સામાન્ય રીતે વિલીનીકરણનો અર્થ સંપતિ અને દેવાદારીમાં જવાબદારી હાથમાં લેવાનો છે. જેમાં ઓવરટાઇમ કામ કરવા માટે સ્ટાફને પૈસા આપવાની જવાબદારી છે તો તેમાંથી એસબીઆઈ કેવી રીતે પીછેહઠ કરી શકે..? આમ આ વિવાદ ઉગ્ર બને તેવી શકયતા છે.