મેરાન્યૂઝ નેટવર્ક, દેહરાદૂન: લાંબા સમયથી ગંગા નદીની સ્વચ્છતા અને સુરક્ષાની માંગણી કરી રહેલા પર્યાવરણપ્રેમી જેડી અગ્રવાલનું આજે ગુરુવારે મોત થયું. જેડી અગ્રવાલ સ્વામી સાનંદના નામથી જાણીતા હતા. સ્વામી સાનંદ છેલ્લા 112 દિવસથી અનશન પર બેઠા હતા અને તેમણે ગત 9 ઓક્ટોબરના રોજ પાણીનો પણ ત્યાગ કર્યો હતો. તેમણે ઋષિકેશમાં આજે બપોરે 1  વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા. સાનંદ ગંગા નદીની સ્વચ્છતાને લઇને પ્રયત્નશીલ હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો.

પ્રોફેસર જીડી અગ્રવાલ ઉર્ફે સ્વામી સાનંદએ ઋષિકેશ સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ 22 જૂન 2018ના રોજથી અનશન પર હતા અને 9 ઓક્ટોબરના રોજ પાણી પીવાનું પણ છોડી દીધુ હતું. વર્ષ 2011માં સ્વામી નિગમાનંદનું હિમાલયન હોસ્પિટલ જોલીગ્રાંટમાં મોત બાદ ગુરુવાર બપોરે ગંગાના સ્વચ્છતા માટે લડાઇ લડી રહેલા વધુ એક વ્યક્તિએ જીવ ત્યાગ્યો છે. સ્વામી સાનંદના નિધનના સમાચારથી ગંગાપ્રેમીઓમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે જ તેમણે પત્ર લખીને પોતાનું શરીર એઇમ્સના દાન આપવા જણાવ્યું હતું અને બપોરે તેમણે દેહત્યાગ કર્યો હતો.

સ્વામી સાનંદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલ પત્રમાં કહ્યું હતું કે “2014ની લોકસભા ચૂંટણી સુધી તો તમે પોતાને સ્વયં મા ગંગાજીના સમજદાર, લાડકા અને મા પ્રત્યે સમર્પિત પુત્ર હોવાની વાત કરતા હતા. પરંતુ આ ચૂંટણી મા નાં આર્શિવાદ અને ભગવાન રામની કૃપાથી જીતીને હવે તમે મા ના કેટલાક લાલચુ, વિલાસિતા પ્રિય પુત્ર-પુત્રીઓના જૂથમાં ફસાઇ ગયા છો. તે નાલાયકોની વિલાસિતાના સાધન (જેમકે વધુ વીજળી) મેળવવા માટે, જેને તમે લોકો વિકાસ કહો છો, જળમાર્ગના નામે વૃદ્ધ મા (ગંગા) ને બોજો ઉપાડનાર ખચ્ચર બનાવવા ઇચ્છો છો.