મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ ન્યુ દિલ્હીના એલાન મુજબ આજથી દેશ વ્યાપી ચક્કાજામનું ઠેર ઠેર આયોજન કરવામાં આવી રહ્યું છે જેના કારણે સૌરાષ્ટ્રના અનેક ઉદ્યોગોને માઠી અસર થઈ છે આ હડતાલથી હજારો લોકો કામ વિહોણા પણ બની ગયા છે

સૌરાષ્ટ્રમાં ટ્રક હડતાલથી રાજકોટના એન્જિનિયરિંગ તથા ફાઉન્ડ્રી ઉદ્યોગ, જામનગરમાં બ્રાસ ઉદ્યોગ મોરબીના સિરામિક ઉદ્યોગ, ગોંડલના ઓઈલ મીલ ઉદ્યોગ, થાન સિરામિક ઉદ્યોગ, તથા જસદણના જીનીંગ ઉદ્યોગને ફટકો પડ્યો છે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હાઈ વે પર ચક્કાજામ કરી દેવાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ બધા ઉદ્યોગોને રો મટીરીયલ્સ પણ નહિ મળતા ઉદ્યોગો બંધ કરવાની સ્થિતી સર્જાશે તો બીજી તરફ જે ઉદ્યોગો પાસે રો મટીરીયલ્સનો સ્ટૉક છે તેમને તૈયાર માલના વેચાણ માટે તકલીફ ઊભી થશે સિરામિક ઉદ્યોગ માટે અનિવાર્ય એવા કોલસો અને માટીનો જથ્થો નહીં મળે તો બીજી તરફ પેપર ઉદ્યોગ માટે પણ દૈનિક વેસ્ટ પેપરનો જથ્થો મળતો બંધ થઈ ગયો છે ગોંડલમાં ટ્રક હડતાલના પગલે માર્કેટ યાર્ડને પણ મોટી અસર થઈ છે બીજી તરફ પોરબંદર કોડીનારના સિમેન્ટ ઉદ્યોગને પણ ટ્રકના પૈડા થંભી જતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સૌરાષ્ટ્ર ભરમાં અંદાજે 10 હજારથી વધુ ટ્રક ચાલકો હડતાલ પર છે જેને લઇને અંદાજે 1 લાખ જેટલા કામદારોને પણ માઠી અસર થઈ છે જોકે ટ્રાન્સપોર્ટ રો દ્વારા આ હડતાલ શાંતિ પૂર્ણ રાખવાની ખાતરી અપાઈ હોવાથી પોલીસની ચિંતા ઓછી થઈ છે