કુલીન પારેખ (મેરાન્યૂઝ.રાજકોટ): સામાન્ય રીતે ડોક્ટરને ભગવાનનો દરરજો આપવામાં આવે છે. પરંતુ કેટલાક ડોક્ટર્સ લોકોની આ લાગણીને સમજવાને બદલે પોતાના જ્ઞાન અને હોદ્દાનો દુરૂપયોગ કરતા જોવા મળે છે. ડોક્ટર્સની બેદરકારીથી કોઈએ જીવ ગુમાવ્યાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે. પરંતુ આજે કેટલાક ડોક્ટર્સના મનસ્વી નિર્ણયને લઈ અનેક તાલુકાઓમાં લોકો એમ્બ્યૂલન્સની સુવિધાથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું હતું. કારણ કે, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ડોક્ટર્સ દર્દીઓને રઝળતા મૂકી એમ્બ્યૂલન્સ લઈ મિટિંગ માટે રાજકોટ આવી પહોંચ્યા હતા અને દર્દીઓ ભગવાન ભરોસે રહ્યા હતા.

આજરોજ શહેરની જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય વિભાગના વિભાગીય નાયબ નિયામક દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક(ડોક્ટર્સ)ની એક મિટિંગનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત વિવિધ તાલુકાના આરોગ્ય કેન્દ્રમાંથી 50થી વધુ ડોક્ટર્સ આવી પહોંચ્યા હતા. પરંતુ આશ્ચર્યજનક બાબત એ હતી કે આ પૈકી 10 જેટલા ડોક્ટર્સ પોતાના તાલુકાના લોકોની સેવા માટે રાખવામાં આવેલી એમ્બ્યૂલન્સ મારફતે રાજકોટ આવ્યા હતા. જેને લઈને જિલ્લા પંચાયતના પાર્કિંગમાં એમ્બ્યૂલન્સના થપ્પા જોવા મળ્યા હતા.

સામાન્ય રીતે નાના તાલુકાઓમાં પૂરતી સુવિધાઓ ન હોવાને કારણે અવારનવાર દર્દીઓને નજીકના મોટા સેન્ટરમાં રીફર કરવામાં આવતા હોય છે. આ માટે અહીં એમ્બ્યૂલન્સની સુવિધા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. પરંતુ દર્દીઓની સુવિધા માટેની એમ્બ્યૂલન્સને લઈને આ નિષ્ઠુર ડોક્ટર્સ પોતાની મિટિંગ માટે આવ્યા હતા. ત્યારે આખા દિવસ દરમિયાન કોઈ ઇમરજન્સીના સંજોગો ઉભા થાય તો દર્દીઓનું શું? તેમજ જે રીતે આ ડોક્ટર્સએ રાજકોટ આવવા માટે એમ્બ્યૂલન્સનો ઉપયોગ કર્યો તે રીતે અન્યત્ર જવા માટે પણ આવું જ કરે છે? ના સવાલો ઉઠી રહ્યા છે.

જોકે મેરાન્યૂઝ દ્વારા અહીં મિટિંગ માટે આવેલા આ મહાનુભાવોને એમ્બ્યૂલન્સ લાવવાનું કારણ પૂછવામાં આવતા તેઓ દવાઓ અને દર્દીઓને લઈને આવ્યા હોવાનો લુલો બચાવ કર્યો હતો. અને યેનકેન પ્રકારે એમ્બ્યૂલન્સ લાવવી જરૂરી હોવાના બહાના બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો આ ડોક્ટર્સ દ્વારા થતા સરકારી સાધનોના દુરૂપયોગની અન્ય વિગતો પણ સામે આવે તેવી શક્યતા છે.