મેરાન્યૂઝ નેટવર્ક.રિયાદઃ સાઉદી આરબમાં અંદાજીત 4 દાયકા પછી રાજધાની રિયાદમાં પહેલું સિનેમા ઘર 18મી એપ્રિલથી ખુલશે. સિનેમા હોલમાં પુરુષો અને મહિલાઓ માટે સાથે બેસવાની પણ વ્યવસ્થા હશે. સરકારી મીડિયાએ આજે આ માહિતી આપતા કહ્યું કે, સાઉદી અરબે કાલે આ સંબંધે એએમસી સાથે એક સંધી કરી છે જે અંતર્ગત આગામી 5 વર્ષો દરમ્યાન દેશના 15 શહેરોમાં 30થી 40 સિનેમા ઘર ખોલવામાં આવશે. રુઢીવાદી દેશમાં અન્ય સાર્વજનિક સ્થળો પર મહિલાઓ અને પુરુષોનું સાથે બેસવું વર્જીત છે પણ સિનેમા ઘરમાં તે સાથે બેસી મુવીની મજા માણી શકશે.

સાઉદી આરબમાં ગત ડિસેમ્બરમાં સિનેમા ઘરો પર પ્રતિબંધ હટાવી લેવાયો હતો. આ પગલાને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનના સામાજીક સુધારાની શૃંખલાનો ભાગ માનવામાં આવે છે. સરકારે કહ્યું હતું કે તે તુરંત જ સિનેમાઘરોને લાયસન્સ આપવાનું શરૂ કરી દેશે. સાઉદી આરબના સંસ્કૃતિ અને સૂટના મંત્રી અવ્વાદ અલ અવ્વાદએ કહ્યું હતું કે સિનેમા ઘરો ખોલવાથી આર્થીક વિકાસને વેગ મળશે અને વિવિધતા પણ આવશે. એક વ્યાપક સાંસકૃતિક સેક્ટર તૈયાર કરી અમે નવા રોજગાર અને ટ્રેનિગના અવસર ઊભા કરીશું. સાથે જ આથી સાઉદી અરબમાં મનોરંજનના વિકલ્પ પણ સમૃદ્ધ થશે. તેમણે કહ્યું કે વર્ષ 2018ની શરૂઆતમાં 35 વર્ષો પછી પહેલીવાર સિનેમાને સાઉદી આરબમાં સંચાલીત કરવાની પરવાનગી આપવામાં આવશે.

સાઉદી આરબમાં 1980ના દાયકાની શરૂઆતમાં સિનેમા પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. સાઉદી ક્રાઉન પ્રિન્સનું કહેવું હતું કે તે સાઉદી આરબને ઈસ્લામની તરફ લઈ જવા માગે છે અને તે દેશમાં કટ્ટરપંથી ઈસ્લામી પ્રભાવને ઓછો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગત વર્ષ ડિસેમ્બરમાં જ સાઉદી આરબમાં મહિલાઓના ડ્રાઈવિંગ કરવા પર લગાવાયેલી રોકને હટાવવાના નિર્ણય પાછળ ક્રાઉન પ્રિન્સ હતા. કટ્ટરપંથી સિનેમાને સાંસ્કૃતિક અને ધાર્મિક ઓળખ માટે ખતરાની ઘંટી મનાતું હતું. આ આધાર પર સાઉદી આરબમાં સિનેમા ઘરો પર બેન લગાવાયેલો હતો.