મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: ભારતના શિલ્પી અને અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ના નામે ચૂંટણી ટાણે  ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો મત મેળવવા ખેંચમ તાણ કરતા અને રાજનીતિ કરતા જોવા મળે છે . સરદાર સાહેબની જન્મજ્યંતિ પર યાદ કરનારા લોકો આજે સરદાર પટેલની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવાનું ચુકી જતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી પ્રતિમાને ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પી હતી.

અખંડ ભારતના ઘડવૈયા એવા સરદાર પટેલની 15  ડિસેમ્બરના રોજ પુણ્યતિથી હતી ત્યારે માત્ર ને માત્ર આમ નાગરિકોએ જ તેમને યાદ કર્યા હતા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં એકમાત્ર સરદાર સાહેબની પ્રતિમા મોડાસા નગરપાલિકાના બગીચામાં છે. ત્યાં સરદાર સાહેબની પુણ્યતિથિએ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ બગિચાના સ્ટાફ સહિત એક સામાજિક કાર્યકર અને તેમની ટીમ દ્વારા સરદાર પટેલને યાદ કરીને પુષ્પાંજલિ અર્પી હતી. સામાન્ય દિવસોમાં જ્યારે સરદાર પટેલ જયંતિ હોય છે ત્યારે મોટી સંખ્યામાં વહીવટી તંત્ર તેમજ રાજકીય પક્ષો દેખાવો કરવા પહોંચી જતા હોય છે. પરંતુ સરદાર પટેલની પુણ્યતિથિએ સરદાર પટેલની પ્રતિમાની આસપાસ રાજકીય પક્ષોના અગ્રણીઓ કે કાર્યકરો અને વહીવટી તંત્ર પણ ન ડોકાતા  સરદાર ભુલાયા હોય તેવું આજના દ્રશ્યો પરથી નગરજનોએ અહેસાસ કર્યો હતો.