મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બોલીવુડ એક્ટર સલમાન ખાનની પોતાની ફિલ્મ કંપની  સલમાનખાન વેન્ચર પ્રાઈવેટ લિમીટેડ કંપની દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર પાસે અમદાવાદના વિવિધ વિસ્તારમાં શુટીંગ કરવાની મંજુરી માગવાની આવી હતી. જેના આધારે અમદાવાદ પોલીસની સ્પેશીયલ બ્રાન્ચ દ્વારા તેમની મંજુરી આપવામાં આવી છે. 

સલમાનખાન વેન્ચર પ્રાઈવેટ લિમીટેડના ચંદ્રેશ ભટ્ટને તા. 14મી માર્ચના રોજ પોલીસ દ્વારા આપવામાં આવેલી મંજુરી પ્રમાણે ‘લવરાત્રી’ નું શુટીંગ ખાડીયામાં તા. 19મી માર્ચના રોજ રાતના 12 થી 3  અને તા. 20મીએ સાંજના 5 થી સવારના 5 વાગ્યા સુધી આકાશેઠની પોળમાં થશે. જ્યારે તા.  27થી 29 માર્ચ સુધી  દિવાંજીની હવેલી ખાતે સવારના આઠથી રાતના 11 વાગ્યા સુધી શુટીંગ થશે.

તા 22મીના રોજ કાલુપુર ટંકશાળ લક્ષ્મીનારાયણની પોળમાં  સવારના 6 થી 8 શુટીંગ થશે. તા 25 મીના રોજ  સવારના 7 થી સાંજના 7  અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટ ઉપર શુટીંગ થશે.  તા. 26મી માર્ચના રોજ રાયખડમાં આવેલા દિવાન બંગ્લોઝમાં સવારના 8 થી 11 શુટીંગ થશે. શુટીંગમાં દરેક સ્થળે એક વેનીટી વાન, જનટર સેટ, બે કાર, બે ટેમ્પો , એક છોટા હાથી, 10 ખાનગી વાહનો  અને 150 જેટલી વ્યક્તિઓ, કલાકારો અને પ્રોડક્શન સ્ટાફ હાજર રહેશે.

સ્પેશીયલ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રીમા મુનશીએ આપેલા આદેશ પ્રમાણે શુટીંગ વખતે  શહેરના ટ્રાફિકને અડચણ પડે નહીં તેની તકેદારી રાખવી. શહેરની ભીડમાં શુટીંગ કરવુ નહીં, ટ્રાફિક સેન્સની વિરૂધ્ધમાં શુટીંગ કરવુ નહીં. કોઈ પણ ધર્મ અથવા જ્ઞાતિની લાગણી દુભાય તેવી બાબત શુટીંગમાં સામેલ કરવી નહી, પ્રતિબંધિત સ્થળ ઉપર શુટીંગ કરવુ નહીં અને કોઈ પણ સ્થળે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવો નહીં. 

જો કે પોલીસની આ પરવાનગીમાં ‘લવરાત્રી’ માં ક્યા ક્યા કલાકરો અમદાવાદમાં શુટીંગ કરવા આવવાના છે તેનો કોઈ ઉલ્લેખ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં સલમાન ખાનનો બનેવી આયુશ શર્મા મુખ્ય અભિનેતા છે જ્યારે વરિના હુસેન અભિનેત્રી છે. આ ફિલ્મમાં સલમાન ખાન પણ ગેસ્ટ કલાકાર તરીકે અભિનય કરશે તેવી ચર્ચા છે અને આ ફિલ્મ આગામી સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં રિલિઝ થવાની શક્યતા છે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલિઝ થયુ છે જેમાં બંને એક્ટર્સ દાંડિયા રમતા નજરે પડે છે.