મેરાન્યૂઝ નેટવર્ક.જોધપુરઃ કાળિયાર હરણના શિકાર મામલામાં જોધપુરની કોર્ટે અભિનેતા સલમાન ખાનને જામીન આપી દીધી છે. હવે તે જેલમાંથી બહાર આવી શકશે. સેશન કોર્ટે આ આદેશની કોપી સીજેએમ અદાલતમાં મોકલવામાં આવશે. જે પછી સલમાનને છોડવાનો આદેશ જોધપુર સેન્ટ્રલ જેલને મોકલવામાં આવશે અને તે પછી છોડવામાં આવશે. સલમાનના વકીલે કહ્યું કે ન્યાયાધીશ રવિન્દ્ર કુમાર જોશીની અદાલતે રૂ. 50,000 ભરી જામીન આપવા કહ્યું છે. તે આજ સાંજ સુધીમાં જેલથી બહાર આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સલમાનને 5 વર્ષની સજા ફટકાર્યા બાદ બે રાત્રે સલમાને જેલમાં કાઢી હતી. જે પછી આજે તેને જામીન મળી ગયા હતા.

સુનાવણી દરમ્યાન સરકારી વકીલે સલમાન ખાનની જામીનનો વિરોધ કર્યો હતો. સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું, સ્થળ પર કોઈ રીતના સબૂત ઘટનાથી સંબંધીત મળ્યા નથી. અદાલતની સુનાવણી દરમ્યાન પરિસર બહાર આવેલા એક વકીલે કહ્યું કે શુક્રવારની સુનાવણી દરમિયાન નિર્ણય સુરક્ષિત કરાયો છે. જોકે બંને પક્ષો વચ્ચે ભારે દલીલો થઈ હતી. અદાલતની સુનાવણી વખતે સલમાનની બહેન અલવીરા અને અર્પિતા ઉપરાંત તેનો બોડીગાર્ડ શેરા પણ કોર્ટમાં હાજર હતો. તે પહેલા સેશન્સ કોર્ટના જજ રવિન્દ્ર જોશીએ સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવનારા સીજેએમ કોર્ટના જજ ખત્રીની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે સાંજે રાજસ્થાન સરકારે 87 જજોની ટ્રાન્સફર કરી દીધી હતી. જેમાં સલમાનની અરજીની સુનાવણી કરનાર જજ રવિન્દ્ર જોશી પણ સામેલ હતા. ઉપરાંત તેના પર સસ્પેન્સ કહેવાતું હતું કે આખરે સલમાનની બેલ પર અરજી થશે કે નહીં.? જોકે જજની ટ્રાન્સફરના નિર્ણયના અમલમાં એક સપ્તાહથી 10 દિવસનો સમય લાગી શકે તેમ હતો. તેથી રવિન્દ્ર કુમાર જોશીએ જ બેલ અરજી પર સુનાવણી કરી હતી.