મેરાન્યૂઝ નેટવર્ક, બદાયૂ: ઉત્તર પ્રદેશમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સાથે અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવ્યા બાદ આ મૂર્તિ ફરી એક વખત વ્યવસ્થિત કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ વિવાદ સર્જાયો છે કારણ કે આ મૂર્તિનો રંગ બદલીને ભગવા રંગ (કેશરી રંગ)માં રંગી દેવાઇ છે. ડૉ. આંબેડકરની પ્રતિમા મોટે ભાગે કોટ અને ટ્રાઉઝરમાં હોય છે પરંતુ આ મૂર્તિને ભગવા રંગની શેરવાની પહેરાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બદાયૂના કુવરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા દુગરૈયા ગામમાં શનિવાર સવારે આંબેડકરની મૂર્તિને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. હવે આ મૂર્તિનું સમારકામ બાદ તેનો રંગ બદલવાથી ઘણા દલિત સંગઠનોએ નારાજગી જાહેર કરી છે. અનામત બચાવો સંઘર્ષ સમિતિના બદાયુ જિલ્લાના અધ્યક્ષ ભારત સિંહ જાટવે કહ્યું કે આંબેડકરની પ્રતિમાના કોટનો રંગ બદલવાથી સમુદાયના લોકો નારાજ છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ અને તસવીર મોટાભાગે ઘેરા વાદળી રંગ, વેસ્ટર્ન આઉટફિટ-બ્લેઝર અને ટ્રાઉજર્સમાં હોય છે. તેથી ભગવો રંગ કંઇક વિચિત્ર લાગે છે. આ મૂર્તિનો ફરી વખત રંગ બદલી ભગવો રંગ હટાવવો જોઈએ.

નવી મૂર્તિ સ્થાપિત કરવા સમયે આંબેડકરની મૂર્તિને માળા પહેરાવતા સમયે પૂર્વ જિલ્લાઅધ્યક્ષ ક્રાંતિ કુમાર અને ડીએસપી વીરેન્દ્ર યાદવ સાથે બસપાના જિલ્લા અધ્યક્ષ હેમેન્દ્ર ગૌતમ પણ હાજર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે એવો પણ આદેશ કર્યો છે કે ડૉ. ભીમરાવ આંબેડકરના નામની પાછળ તેમના પિતા રામજીનું નામ પણ સામેલ કરવામાં આવે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર બન્યા બાદ ઘણી સરકારી ઇમારતોના રંગ પણ ભગવા રંગથી રંગી દેવાયા છે.