પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): તેઓ  બપોરના સાડા ત્રણ વાગ્યે બરાબર ક્લાસમાં આવી ગોઠવાઈ જાય છે, તે તમામે સફેદ કુર્તો અને સફેદ લેંઘો પહેર્યો હોય છે, તેમના હાથમાં તેમના પુસ્તકો હોય છે. લગભગ મોટા ભાગના ત્રીસી વટાવી ગયેલા છે કેટલાંક ચાલીસી પણ પાર કરી ગયા છે, તેમને ભણાવવા આવનાર ક્યારેક તેમની ઉંમર કરતા પણ નાની ઉમંરના શિક્ષક હોય છે છતાં તેઓ પોતાના શિક્ષક સાથે પુરા અદબથી વાત કરે છે. તેઓ ક્લાસમાં ભલે વિધ્યાર્થી હોય પણ ત્યાં બેઠેલો વિધ્યાર્થી કોઈક એમએ વીથ ઈગ્લીંશ છે, તો કોઈક પીએચડી થયેલો છે અને કોઈક સોફ્ટવેર એન્જિનિયર છે.

હું જેમના અંગે વાત કરી રહ્યો છે તેઓ બધા અમદાવાદની સાબરમતી જેલના પાકા કામના કેદીઓ છે. પાકા કામનો અર્થ થાય છે જેમને કોર્ટ દ્વારા કસુરવાર ઠરાવી સજા કરી દેવામાં આવી છે. કોઈને પાંચ વર્ષની તો કોઈને દસ વર્ષની અને કોઈને મૃત્યુપર્યત જેલમાં રહેવાની સજા કરવામાં આવી છે. સાબરમતી જેલ સાથે મારો નાતો ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટને કારણે બંધાયો. છેલ્લાં ત્રણ વર્ષથી હું કેદીઓ સાથે વિવિધ પ્રવૃત્તીને કારણે જોડાયો છે. સાચુ કહુ તો મારી પત્રકારત્વની ત્રીસ વર્ષની સફરે મને જે શીખવાડ્યુ તેના કરતા અનેક ગણુ મને સાબરમતી જેલના કેદીઓએ માણસ થતાં શીખવાડ્યુ છે.

ગાંધીજીની 150મી જયંતિ ઉજવાઈ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સહિત ગાંધી સંસ્થાઓ પોતાની રીતે ગાંધીજીની 150મી જયંતિ ઉજવી રહી છે. પરંતુ નવજીવન ટ્રસ્ટે 150મી જયંતિ જુદી રીતે ઉજવવાનો નિર્ણય કર્યો. ગાંધી જયંતિની ઉજવણી માત્ર પ્રતિકાત્મક થઈ જાય નહીં પણ ગાંધી ઈચ્છતા હતા તેમ છેવાડાના માણસની જીંદગીમાં કંઈક સારૂ થાય જો ઉજવણી ખરા અર્થમાં ઉજવાઈ ગણાય, તેવા પ્રયાસના ભાગ રૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા સાબરમતી જેલના કેદીઓને પત્રકારત્વ અને પ્રુફરીડીંગનો ડીપ્લોમાં કોર્સ ભણાવવાનો નિર્ણય કર્યો, જેને જેલ સત્તાવાળાઓએ મંજુરી પણ આપી અને કેદીઓ પત્રકારત્વ ભણી રહ્યા છે.

જે કેદીઓ પત્રકારત્વનો અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોઈ હાર્ડકોર ક્રિમીનીલ નથી, તેમની જીંદગીની પહેલી અને છેલ્લી ભુલ તેમને અહિયા લઈ આવી છે. હું અમદાવાદની ઘણી બધી પત્રકારત્વની કોલેજમાં ભણાવવવા જાઉ છુ પણ મને આટલા હોંશિયર અને સંવેદનશીલ વિધ્યાર્થીઓ મળ્યા નથી. આ વિધ્યાર્થીઓએ જીંદગીને બહુ નજીકથી જોઈ છે, હું જયારે  મુલાકાતે જાઉ છું ત્યારે મને લાગે છે કે મારી તમામ સમસ્યા નાની થઈ ગઈ છે. જો કે તેઓ ક્યારેય મને તેમની સમસ્યા અંગે કહેતા નથી. હું તેમને ક્યારેય તેમના ભુતકાળ અંગે પુછતો નથી, કારણ તેઓ પોતાના ભુતકાળને પાછળ છોડી એક નવી જીંદગી તરફ આગળ વધવા માગે છે.

તેઓ જેલમાં છે તેમ છતાં જેલના નિયમ પ્રમાણે તેમને વિવિધ પ્રકારના કામ પણ કરવાના હોય છે, છતાં તેઓ પોતાનું કામ પુરી ક્લાસમાં આવવાનો સમય કાઢે છે. તેમને જેલમાં મળતી ચ્હાનો સમય અને ક્લાસ શરૂ થવાનો સમય સાડા ત્રણનો છે, પણ તેમણે કલાસમાં આવવા માટે ચ્હા છોડી દીધી છે. જેલના નિયમ પ્રમાણે તેમને સાંજનું જમણ લેવાનો સમય ચાર વાગ્યાનો છે પણ તેમણે પોતાની બેરેકના સાથી કેદીને પોતાનું જમવાનું લઈ લેવાની વ્યવસ્થા પણ ગોઠવી છે. તેઓ ક્લાસમાં આવે છે ત્યારે તેમની આંખમાં એક પ્રકારની જીજ્ઞાસા હોય છે. જાણે તેમની આંખો એવુ કહી રહી હોય કે દુનિયાને અમારે અમારી આંખોમાં ભરી લેવી છે.

જેલમાં ગાંધી ખોલી પણ છે, 1922માં ગાંધીની ધરપકડ થઈ ત્યારે તેમને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યા હતા. 1919માં ગાંધીએ પોતાની વાત પોતાની ભાષામાં દેશની પ્રજાને પહોંચાડવા માટે નવજીવનની શરૂઆત કરી હતી. આમ 100 વર્ષ પહેલા ગાંધીએ શરૂ કરેલા પત્રકારત્વના આ નવા વિધ્યાર્થીઓ છે, તેઓ ગાંધીનું પત્રકારત્વ ભણી રહ્યા છે. તેઓ કેદીઓ હોવા છતાં તેમની અંદરના માણસને તેમણે જીવતો રાખ્યો છે. ક્લાસમાં હું અને મારા સાથી મિત્રો તેમને પત્રકારત્વ ભણવાએ છીએ પણ મને સતત લાગે છે  કે આ કેદીઓ મને જીંદગીના પાઠ  શીખવાડી રહ્યા છે. પોતાની જીંદગીનું નિરીક્ષણ કરવાનું હું તેમની પાસેથી શીખ્યો છું. બસ પ્રાર્થના એટલી છે કે જેલમાં પત્રકારત્વ ભણી જે કેદીઓ બહાર આવે તેઓ શ્રેષ્ઠ પત્રકારની સાથે ઉત્તમ માણસ પણ થાય.