મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ/સાબરકાંઠા: લોકસભા ચૂંટણીને લઇને કૉંગ્રેસ અત્યારે ભારે મનોમંથન કરી રહી છે. દિલ્હીમાં સતત બેઠકોના દોર ચાલી રહ્યો છે. ગુજરાતની સાબરકાંઠા બેઠક માટે એઆઈસીસીના ખજાનચી અને કોંગ્રેસના દિગજ્જ નેતા અહેમદ પટેલ અને રાહુલગાંધીના નજીકના કદાવર નેતા પૂર્વ સાંસદ મધુસુદન મિસ્ત્રી આમને-સામને હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

મળતી વિગત પ્રમાણે અહેમદ પટેલ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર સાબરકાંઠા બેઠક પર ચૂંટણી લડાવવા માંગે છે બીજી બાજુ રાજ્યસભાના સાંસદ મધુસુદન મિસ્ત્રી પૂર્વ સાબરકાંઠા જીલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ કુંપાવતને ટિકિટ આપવાનો હઠાગ્રહ લઈ બેસતા મામલો વધુ ગૂંચવાયો છે. ઉલ્લેખનીય છે કે, મધૂસુદન મિસ્ત્રી અગાઉ વડાલી ખેડબ્રહ્મા નજીક 500થી વધુ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં રાજેન્દ્રસિંહ કુંપાવતને ટિકિટ આપવાનો પોતાનો ઈશારો કરી કામે લાગી જવાની વાત કરી હતી. ઉપરાંત સાબરકાંઠા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા માટે રાહુલ ગાંધી પર અંતિમ નિર્ણય છોડયો હોવાની જાણકારી મળી રહી છે. બીજી બાજુ અહેમદ પટેલ જ્યારે મોડાસાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ રાજેન્દ્રસિંહ ઠાકોરના ઘરે આવી તેમની સાથે સુભેચ્છા મુલાકાત કરી હતી.

મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અહેમદ પટેલ સાથે નિકટતા ધરાવતા હોવાની સાથે ૫ ટર્મથી ભાજપના વિજેતા ઉમેદવાર દિલીપસિંહ પરમારને વિધાનસભામાં જંગી મતોથી હરાવ્યા બાદ ભાજપે ૨૦૧૭માં રાજેન્દ્રસિંહ ઠાકોર સામે ભીખુસિંહ પરમારને ટિકિટ ફાળવી હતી. જેમાં ભારે રસાકસી પછી રાજેન્દ્રસિંહ ઠાકોરે ૧૬૦૦ જેટલા મતથી વિજય મેળવ્યો હતો. તેમની કાર્યશૈલીને કારણે લોકો સાથે સીધા સંપર્ક ધરાવતા હોવાથી તેમની ટિકિટ નક્કી મનાઈ રહી હતી, ત્યારે લોકસભાની બેઠક પર કોંગ્રેસના પ્રથમ હરોળના નેતા મધુસુદન મિસ્ત્રીએ સાબરકાંઠા જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્ય રાજેન્દ્રસિંહ કુંપવાતને ટિકિટ અપાવવા માટે હઠાગ્રહ પર ઉતારી આવતા કોકડું ગૂંચવાયું છે. સાબરકાંઠા જીલ્લામાં કોંગ્રેસના અગ્રણીઓ, કાર્યકરો અને પ્રજાજનોમાં પણ ભારે આતુરતા જોવા મળી રહી છે.

સાબરકાંઠા બેઠક કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત પ્રવર્તી રહી છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ૫.૫ લાખ ક્ષત્રિય મતદારો, ૩.૫ લાખ આદિવાસી મતદારો અને એસસી અને મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસ માટે જીતની શક્યતાઓ વધતા ફૂંકી ફૂંકીને આગળ વધી રહી છે. ગુજરાત પ્રદેશ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા સાબરકાંઠા બેઠક થી અવગત હોવાથી મોડાસાના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર રાજેન્દ્રસિંહની તરફદારી કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.