મેરાન્યૂઝ નેટવર્ક, તિરુવનંતપુરમ: કેરળના સબરીમાલા મંદિરના દ્વાર આજે સાંજે ખુલવાના છે ત્યારે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ મંદિરમાં પ્રથમ વખત 10થી 50 વર્ષની કિશોરીઓ અને મહિલાઓ પ્રવેશ મેળવી શકશે. જેને લઇને કેરળમાં સંઘર્ષ પેદા થયો છે. પાંચ દિવસની માસિક પૂજા માટે બુધવારે અયપ્પા સ્વામી મંદિરના દ્રાર ખુલતા પહેલા તેના બંને મુખ્ય રસ્તાઓ નિલક્કલ અને પમ્બા પર મોટી સંખ્યામાં દેખાવકારો એકત્ર થયા છે. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છતાં દર્શન માટે જઇ રહેલી મહિલાઓને પ્રવેશ ન આપાયાના અહેવાલો આવી રહ્યા છે.

બીજી તરફ મહિલાઓને પ્રવેશ ન આપવા દેવા માટે દેખાવકારોએ મીડિયાકર્મીઓ પર પણ હુમલો કર્યો હતો. પોલીસે નિલક્કલ અને પમ્બામાં વિરોધ કરી રહેલા ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત 50 લોકોની અટકાયત કરી છે.

આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જીલ્લાની રહેવાસી માધવીએ મીડિયાના જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર તે પણ ભગવાન અયપ્પાના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી પરંતુ તેને રોષે ભરાયેલા અયપ્પા ધર્મ સેનાના કાર્યકરે રસ્તામાં રોકી પરત મોકલી દીધી હતી.